મંજિલ મળે કે ન મળે એ તો જાણે પ્રારબ્ધની વાત છે
કોશિશ જ ન કરીએ એ તો સદંતર એ કેવી મિથ્યા વાત છે
કરી ભરોસો અખંડ પ્રારબ્ધ અને પૂરૂષાર્થ પર
લક્ષવેધ કરવું મક્કમતાથી એ જ તો પરીક્ષાનો ખરો સાર છે
–“પાંધી સર”
આજથી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓનો મંગલ પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં અને પૂર્ણ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી શકે તે હેતુથી જાણીતા વિદ્યાર્થી અગ્રણીઓ દ્વારા પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. સક્રિય વિદ્યાર્થી નેતા અને એડવોકેટ કેતનભાઈ ખુમાણ તથા પૂર્વ વિદ્યાર્થી નેતા અને બાહોશ એડવોકેટ અરવિંદભાઈ મેવાડાએ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને મળી, તેમનું મીઠું મોઢું કરાવી હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે બંને મહાનુભાવોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, પરીક્ષા એ માત્ર કાગળ પરનું લખાણ નથી, પરંતુ તમારી વર્ષભરની ‘સરસ્વતી સાધના’નું ફળ છે. જેમ મહાભારતમાં અર્જુનને માત્ર પક્ષીની આંખ જ દેખાતી હતી, તેમ આજુબાજુના વાતાવરણ કે પરિણામના ડરને બાજુ પર રાખીને માત્ર પોતાના પ્રશ્નપત્ર અને લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
એડવોકેટ કેતનભાઈ ખુમાણ અને અરવિંદભાઈ મેવાડાએ ઉમેર્યું હતું કે, ઈશ્વરને સાક્ષી માનીને કરેલો પુરુષાર્થ ક્યારેય એળે જતો નથી. ગભરાયા વગર, શાંત ચિત્તે અને આત્મવિશ્વાસ સાથે જો પરીક્ષા આપવામાં આવે તો સફળતા નિશ્ચિત છે. વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કરવા માટે આ અગ્રણીઓએ પોતાનો કિંમતી સમય ફાળવીને એક સાચા માર્ગદર્શકની ભૂમિકા ભજવી હતી.


















Recent Comments