ગુજરાત

વાસ્તવિક સમસ્યાઓ, માંગણીઓ ગુજરાતની જનતાની અપેક્ષાથી વિપરીત, ૨૦૪૭ના સ્વપ્નો બતાવતું બજેટ : અમિત ચાવડા

·        વાસ્તવિક સમસ્યાઓ, માંગણીઓ ગુજરાતની જનતાની અપેક્ષાથી વિપરીત, ૨૦૪૭ના સ્વપ્નો બતાવતું બજેટ : અમિત ચાવડા

·        ભાજપ શાસિત બીજા રાજ્યોમાં લાડલી  બહેન, મહિલાઓને આર્થીક મદદ, તો ગુજરાતની બહેનો કેમ અળખામણી : અમિત ચાવડા

·        બજેટ આંકડાઓની માયાજાળ, ખેડૂત દેવા મળી માટે, સમાન કામ સમાન વેતન માટે, મોંઘવારી ઘટાડવા, સરકારી પદો ઉપર કાયમી ભરતી માટે, વસ્તીના પ્રમાણમાં બજેટ ફાળવણી માટે, પાક વીમા યોજના માટે, કોઈ જ ઉલ્લેખ કે જોગવાઈ નહિ : અમિત ચાવડા

·        બજેટ માટે ખેડૂતો, ગૃહિણીઓ, યુવાનો, કામદારો, ગરીબ-વંચિત સમજો, કર્મચારીઓને જે આશા-અપેક્ષા હતી તે ઠગારી નીવડી : અમિત ચાવડા

·        ભાજપ સરકારે બજેટમાં ખેડુતોના દેવા માફ ન કરી ખેડુતો સાથે સૌથી મોટો વિશ્વાસઘાત કર્યો : અમિત ચાવડા

·        ૫ વર્ષમાં ગુજરાતનું દેવું ૭૯,૧૫૨ કરોડ વધ્યું, ઉદ્યોગપતિઓને લહાણી અને સામાન્ય જનતા પર દેવું, શું આ છે ગુજરાત મોડલ? : અમિત ચાવડા

·        મત લેવા માટે નારી શક્તિના ગુણગાનજ્યારે બજેટમાં મોંઘવારીમાંથી મુક્તિ આપવાની વાત આવી ત્યારે સરકાર મોં ફેરવી ગઈ : અમિત ચાવડા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાએ પ્રેસ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૬-૨૭નું બજેટ આજે ગુજરાત વિધાનસભામાં રજૂ થયું ત્યારે રાજ્યની જનતાને સરકાર પાસેથી ભારે આશા અને અપેક્ષા હતી કે ડબલ એન્જિન સરકાર જનહિતમાં ઠોસ પગલાં ભરતું બજેટ રજૂ કરશે. પરંતુ રજૂ થયેલું બજેટ સ્પષ્ટ કરે છે કે આ ડબલ એન્જિનમાંથી એક એન્જિન મોંઘવારી વધારવાનું અને બીજું ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવાનું કામ કરી રહ્યું છે. ચાર લાખ આઠ હજાર કરોડના આંકડાનો ઢોલ પીટી વિકાસના નારા આપવામાં આવ્યા છે, પરંતુ જમીન પર સામાન્ય લોકો માટે રાહત જોવા મળતી નથી. ૨૦૨૬-૨૭ના બજેટમાં ૨૦૪૭ના સપના બતાવવામાં આવે છે, જ્યારે આજની હકીકતોને નજરઅંદાજ કરવામાં આવી છે.

ગુજરાતના ખેડૂતો કુદરતી આફતો, કમોસમી વરસાદ અને બજાર ભાવના અભાવે હેરાન-પરેશાન છે. અનેક ખેડૂત આર્થિક સંકટમાં ડૂબેલા છે, આત્મહત્યાની ઘટનાઓ બનતી રહી છે, છતાં ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની સરકારે એક પણ જાહેરાત બજેટમાં કરવામાં આવી નથી. પાક વીમા યોજના રાજ્ય સરકાર દ્વારા અમલમાં લાવવાની માંગ વારંવાર ઉઠી છે, છતાં બજેટમાં એ મુદ્દે મૌન ધારણ કરવામાં આવ્યું છે. મહિલાઓ માટે મોંઘવારીમાંથી રાહતની કોઈ જાહેરાત નથી. અન્ય રાજ્યોમાં ગેસ સિલિન્ડર સસ્તા આપવાની યોજનાઓ અમલમાં છે, પરંતુ ગુજરાતની બહેનો માટે ગેસના બાટલામાં રાહત કે માસિક સહાય જેવી કોઈ યોજના જાહેર કરવામાં આવી નથી. મહિલા અને બાળ વિકાસ માટેનો વધારો પણ નગણ્ય છે, જે મહિલાઓની અપેક્ષાઓ પર પાણી ફેરવે છે. યુવાનો અને કામદારો માટે પણ આ બજેટ નિરાશાજનક છે. મનરેગા કામદારોના વેતન વધારો, અસંગઠિત ક્ષેત્રના લઘુત્તમ વેતનમાં સુધારો કે ફિક્સ-પે અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આશા વર્કર, આંગણવાડી બહેનો, મધ્યાહન ભોજનના કર્મચારીઓ લાંબા સમયથી સમાન કામ-સમાન વેતનની માંગ કરી રહ્યા છે, પરંતુ તેમની આશાઓને ફરી એકવાર અવગણવામાં આવી છે. ઓલ્ડ પેન્શન સ્કીમ (OPS)ની માંગ પર પણ સરકાર મૌન છે.

સામાજિક ન્યાયની વાતો ભલે થાય, પરંતુ એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી, દિવ્યાંગ અને વૃદ્ધ નાગરિકો માટે વસ્તીના પ્રમાણમાં યોગ્ય ફાળવણીનો સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળતો નથી. વિધવા, વૃદ્ધ અને દિવ્યાંગ પેન્શનમાં વધારો કરવાની માંગ પણ સ્વીકારવામાં આવી નથી. મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ, ગેમ્સ અને ઉદ્યોગોના નામે આંકડાઓ રજૂ કરીને વિકાસનું ચિત્ર દેખાડવામાં આવ્યું છે, પરંતુ રોજગાર, કૃષિ, મોંઘવારી અને સામાજિક સુરક્ષા જેવા મૂળ પ્રશ્નોને અવગણવામાં આવ્યા છે. બજેટ જનતાને ન્યાય આપતું નહીં, પરંતુ જાહેરાતો અને પ્રચારથી ભરેલું દસ્તાવેજ છે. ગુજરાતને સપનાઓ નહીં, હકીકતમાં રાહત જોઈએ. આ બજેટ રાજ્યની જનતાની આશા-અપેક્ષા વિરુદ્ધ છે અને સરકારની પ્રાથમિકતાઓ જનહિતથી દૂર હોવાનું સ્પષ્ટ કરે છે.

Related Posts