શરબત જેહાદ વિવાદમાં યોગ ગુરુ અને પતંજલીના સંસ્થાપક બાબા રામદેવને દિલ્હી હાઇકોર્ટે ફટકાર લગાવી છે. કોર્ટના આદેશને ઘોળીને પી ગયા વેપારી બાબા રામદેવ. મનાઈ છતાં વિવાદિત વીડિયો પોસ્ટ કરતાં કોર્ટ લાલઘૂમ થઇ છે. હમદર્દની રૂહ અફ્ઝા બ્રાન્ડ સંદર્ભે ટિપ્પણીથી વિવાદ થયો હતો.
અગાઉ કોર્ટે હમદર્દના રુહ અફઝા અંગે વિવાદિત શરબત જેહાદ વાળી ટિપ્પણી મામલે બાબા રામદેવને કોર્ટની અવમાનનાના દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે આદેશ કર્યો હતો કે ભવિષ્યમાં હમદર્દની પ્રોડક્ટ અંગે બાબા રામદેવને કોઈ નિવેદન ન આપે અને વીડિયો પણ શેર ન કરે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ પતંજલિ ભ્રામક જાહેરાતો અને વિવાદાસ્પદ દાવાઓને કારણે સમાચારમાં રહી છે.
જસ્ટિસ અમિત બંસલે ગુરુવારે જણાવ્યું હતું કે, કોર્ટના ૨૨ એપ્રિલના આદેશ છતાં રામદેવે વાંધાજનક નિવેદનની સાથે વીડિયો પણ શેર કર્યો હતો. આ બંને કૃત્ય કોર્ટની અવમાનનના માની શકાય. હવે આ મામલે નોટિસ જારી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોર્ટે અગાઉ મંગળવારે કહ્યું હતું કે, હમદર્દના રુહ અફઝા અંગે બાબા રામદેવની શરબત જેહાદ સંબંધિત વિવાદિત ટિપ્પણીએ અંતરાત્માને હચમચાવી નાખી હતી. કોર્ટે તેને અક્ષમ્ય કૃત્ય ગણાવ્યું હતું. જેના બાદ યોગ ગુરુએ આશ્વાસન આપ્યું હતું કે હું આનાથી સંબંધિત કોઈપણ ઓનલાઇન કન્ટેન્ટને ડિલીટ કરી દઈશ.
‘મસ્જિદો અને મદરેસા તેમના શરબતના પૈસાથી બને છે‘, બાબા રામદેવે પતંજલિ જ્યુસનો પ્રચાર કરતી વખતે નવો સૂર શરૂ કર્યો હતો. યોગ ગુરુ અને પતંજલિના સહ-સ્થાપક સ્વામી રામદેવે પતંજલિના રસ અને શરબતનો પ્રચાર કરતી વખતે તેમના તાજેતરના વીડિયોમાં ‘શરબત જેહાદ‘ ટિપ્પણી કરીને એક નવો વિવાદ ઉભો કર્યો હતો. પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરેલા ૧૦ મિનિટના વીડિયોમાં, રામદેવે બીજી કંપની પર શરબતમાંથી કમાયેલા પૈસાનો ઉપયોગ કરીને મસ્જિદો અને મદરેસા બનાવવાનો આરોપ લગાવ્યો, જેનાથી સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ હતી.
વીડિયોમાં, રામદેવ કહે છે, “એક કંપની છે જે શરબત વેચે છે અને તેમાંથી મળેલા પૈસાનો ઉપયોગ મસ્જિદો અને મદરેસા બનાવવા માટે કરે છે. સારું, આ તેમનો ધર્મ છે. તે કંપનીનું શરબત પીવાથી મસ્જિદો અને મદરેસા બનાવવામાં મદદ મળે છે, જ્યારે પતંજલિનું શરબત પીવાથી ગુરુકુલ, આચાર્યકુલમ, પતંજલિ યુનિવર્સિટી અને ભારતીય શિક્ષણ બોર્ડને મદદ મળશે.” રામદેવે ઠંડા પીણાને ‘ટોઇલેટ ક્લીનર્સ‘ ગણાવ્યા અને પતંજલિ ઉત્પાદનોને ‘સ્વદેશી, સનાતન અને સાત્વિક‘ વિકલ્પ ગણાવ્યા. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, “ઠંડા એટલે શૌચાલય સાફ કરનાર અને શરબત, જેહાદનો સ્વદેશી સનાતન સાત્વિક વિકલ્પ શું છે?” રામદેવનું આ નિવેદન પતંજલિના ગુલાબ શરબત અને અન્ય રસને પ્રોત્સાહન આપવા માટે આવ્યું છે.
કોર્ટના આદેશને ઘોળીને પી ગયા વેપારી બાબા રામદેવ: દિલ્હી હાઇકોર્ટ

Recent Comments