ભાવનગરના શોર્ટ રૂટ પર ધોલેરા નજીક મુસાફરો ભરેલી તન્ના ટ્રાવેલ્સની ગૂંલાંટ
ભાવનગરથી અમદાવાદ જવા નીકળેલી ખાનગી બસ ટ્રાવેલ્સ તન્ના ટ્રાવેલ્સના ચાલકે ધોલેરા હાઈ- વે નજીક સામેથી આવતાં વાહનને બચાવવા જતાં બસનાં ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગૂમાવ્યો હતો. જેના કારણે મુસાફરોથી ખોચોખીચ ભરેલી બસ રોડની બાજૂના ખાડામાં ઉતરી ગૂલાંટ મારી ગઈ હતી. જેના કારણે થોડા સમયમાટે હાઈ-વે પર અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જાે કે, સદ્દનસીબે આ ઘટનામાં બસમાં સવાર પાંચેક મુસાફરોને નાની મોટી ઈજા થઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
આ અંગેની પ્રાથમિક વિગતો એવી છે કે, ભાવનગરથી વ્હેલી સવારે પાંચ કલાકે અમદાવાદ જવા તન્ના ટ્રાવેલ્સની ખાનગી લક્ઝરી બસ સવારે ૬ઃ ૪૫ કલાક આસપાસ ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર ધોલેરા હાઈ-વે પર પહોંચી હતી. જયાં સામેથી આવી રહેલા વાહનનાચાલકે બસની સામે પોતાનું વાહન ચલાવતાં તેને બચાવવા જતાં બસના ટાયર રોડની બાજૂમાં રહેલ માટીમાં ફસડાઈ પડયા હતા. જેના કારણે બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો.અને મુસાફરોથી ખીચોખીચ ભરેલી તન્ના ટ્રાવેલ્સની બસ રોડની નજીક પલ્ટી મારી ગઈ હતી.
બસને અકસ્માત થતાં થોડા સમય માટે ચીચીયારીઓ ગુંજી ઉઠી હતી. અને વાતાવરણ તંગ બન્યું હતું.જયારે આ અક્સ્માતમાં બસમાં બેઠેલાં મુસાફરો પૈકી પાંચેક લોકોને નાની મોટી ઈજા થઈ હતી.તો આ તરફ અક્સ્માતના પગલે હાઈ-વે પરથી પસાર થતા વાહન ચાલકોએ રોકાઈને મુસાફરોને બસની બહાર કાઢયા હતા.આ બનાવની જાણ ૧૦૮ એમ્બ્યુલન્સને થતાં ૧૦૮નો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ઈજા પામેલા મુસાફરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જાે કે સદ્દનસીબે આ અક્સ્માતમાં જાનહાનિ થવા પામી ન હતી. અને મોટી દૂર્ઘટના ટળી હતી.આ બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી જઇ કાર્યવાહી હાથ ધરી છે. જાે કે, અક્સ્માત અંગે પોલીસ ફરિયાદ થઈ ન હતી.
Recent Comments