ભાવનગર, તા. 19 માર્ચ 2026 ચૈત્રી નવરાત્રીના પાવન અવસરે ભાવનગર જિલ્લામાં માતૃશક્તિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા તથા નારી શક્તિના સન્માનના સંવર્ધનના હેતુસર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
તારીખ 19/03/2026 થી 29/03/2026 દરમિયાન જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ મહત્વના સ્થળોએ માતૃશક્તિ વંદના તથા કુમારિકા પૂજન કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમોમાં કુમારિકાઓનું પૂજન કરવામાં આવશે તેમજ ભારતના ઇતિહાસમાં પ્રેરણારૂપ બનેલી વિવિધ માતૃશક્તિઓના જીવન પ્રસંગો વિષે પ્રેરણાદાયી વક્તાઓ અને મહેમાનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.
આ વર્ષની વિશેષતા તરીકે મહારાણી અબક્કા ચૌટાની 500 મી જન્મજયંતી નિમિત્તે તેમના શૌર્ય, રાષ્ટ્રનિષ્ઠા અને સ્વાભિમાનભર્યા જીવન પર વિશેષ વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા તથા તાલુકા કક્ષાના કાર્યક્રમો માટે આહિર કન્યા છાત્રાલય (સીદસર રોડ, ભાવનગર), શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય (પડવા, ઘોઘા), શ્રી એમ.એન. મહેતા કન્યા વિદ્યાલય (મહુવા), શ્રી દયાનંદ કન્યા વિદ્યાલય (સોનગઢ, સિહોર), શ્રી ડી.એસ. સલોત તથા શ્રી પી.એમ. સર્વોદય હાઈસ્કૂલ (ઉમરાળા), શ્રી પોસ્ટ બેઝિક હાઈસ્કૂલ (રતનપુર, વલભીપુર), શ્રી કસ્તુરબા ઉત્તર બૂનિયાદી વિદ્યાલય (મોટી પાણિયાળી, પાલીતાણા), શ્રી જલારામ હાઈસ્કૂલ (પીથલપુર, તળાજા), શ્રીજી વિદ્યાલય (સાતપાડા, ગારીયાધાર) તથા શ્રી જે.કે. છોટાલા હાઈસ્કૂલ (ભાવનગર ગ્રામ્ય) ખાતે કાર્યક્રમો યોજાનાર છે.આ સમગ્ર આયોજનની વિશેષતા એ છે કે રાષ્ટ્રસમર્પિત કાર્યકર્તા બંધુઓના સહયોગથી કાર્યક્રમો યોજાશે તથા કાર્યક્રમનું સંચાલન મુખ્યત્વે માતૃશક્તિ દ્વારા જ કરવામાં આવશે.આ કાર્યક્રમો દ્વારા સમાજમાં નારી શક્તિ પ્રત્યે સન્માન, સંસ્કાર અને રાષ્ટ્રભાવનાનો સશક્ત સંદેશ પ્રસરી રહ્યો છે.
















Recent Comments