અમરેલીમાં ‘વિશ્વ ધ્યાન દિવસ’ અંતર્ગત શિબિર સંપન્ન
અમરેલી તા.૨૧ ડિસેમ્બર,૨૦૨૪ (શનિવાર) યુનાઇટેડ નેશન્સ દ્વારા ૨૧ ડિસેમ્બરને ‘વિશ્વ ધ્યાન દિવસ’ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપક્રમના ભાગરુપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સ્થાનિક યોગ સહિતની વિવિધ સંસ્થાઓના સહયોગથી સમગ્ર રાજ્યમાં ૪૦ સ્થળોએ ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.અમરેલી શહેરમાં ગાંધીબાગ સ્થિત પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં આર્ટ ઓફ લિવિંગ અને સમર્પણ ધ્યાન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ધ્યાન શિબિરમાં નગરના ધ્યાન સાધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.કાર્યક્રમમાં આર્ટ ઓફ લિવિંગના ટ્રેઇનર શ્રી ઉમેશભાઈ દુધાત, શ્રી ઉમેશભાઈ પરમાર અને સમર્પણ ધ્યાન કેન્દ્રના શ્રી સાકરિયા દ્વારા સાધકોને હળવી કસરત કરાવી અને જીવનમાં ધ્યાનના મહત્વને સમજાવી ધ્યાન સત્ર કરાવવામાં આવ્યું હતું.
શિબિરમાં યોગ કો-ઓર્ડિનેટર શ્રી નિકિતાબહેન પંડ્યા દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી ટ્રેનર્સનું સત્કાર કરતા જીવનમાં ધ્યાનના મહત્વને સમજાવતા જણાવ્યુ કે, સંયુક્ત રાષ્ટ્રસંઘે તા.૨૧ ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ ઘોષિત કર્યો છે. યોગ અને ધ્યાનની સાધના મન એકાગ્ર બને છે અને લક્ષ્યની પ્રાપ્તિ થઈ શકે છે. ધ્યાન અને યોગ ભારતીય સંસ્કૃતિના પ્રાચીન મણકા છે જે અનાદિકાળથી શાંતિ, આત્મસંતુલન અને માનસિક સમૃદ્ધિનો માર્ગ પ્રદર્શિત કરે છે. ઉપનિષદ, ભગવત ગીતા અને પતંજલિ સૂત્ર જેવા શાસ્ત્રોમાં ધ્યાન અને યોગની મહાનતા દર્શાવવામાં આવી છે.
સમગ્ર વિશ્વ માટે પ્રવર્તમાન સ્થિતિમાં ભારતીય યોગ અને ધ્યાન માનવજાત માટે આશાની એક નવી દિશા દર્શાવે છે. ૨૧ ડિસેમ્બરનું ધ્યાન માટે વિશેષ મહત્વ છે. શિયાળાની સૌથી લાંબી રાતને ધ્યાન માટે શ્રેષ્ઠ ગણવામાં આવી છે કારણ કે આ સમય દરમિયાન મન અને શરીર ઉર્જાને પુન: સ્થાપિત કરવા માટે અનકૂળ થાય છે.કાર્યક્રમના પ્રારંભે યોગ અને ધ્યાનના ટ્રેઇનર્સનું પુષ્પગુચ્છથી સ્વાગત અભિવાદન સત્કાર કરવામાં આવ્યું હતું.શિબિરમાં શહેરના યોગ અને ધ્યાન સાધકો ઉપસ્થિત રહ્યા હતા અને એકાગ્ર બની આ અવસરનો લાભ મેળવ્યો હતો.
Recent Comments