ગુજરાત

જૂનાગઢમાં બે પ્રસૂતાના મોતનો મામલો, એક વર્ષ બાદ હોસ્પિટલના ત્રણ સંચાલક ઝડપાયા

એક વર્ષ પૂર્વે જૂનાગઢની હેલ્થ પ્લસ હોસ્પિટલમાં બે સગર્ભાના સીઝેરીયન બાદ મોત થયા હતા. તબીબી સારવાર દરમિયાન બેદરકારી રહેતા અન્ય ચાર પ્રસૂતાની કિડની કામ કરતી બંધ થઈ ગઈ હતી. સમગ્ર મામલામાં હેલ્થ પ્લસ હોસ્પિટલની બે મહિલા તબીબ અને હોસ્પિટલના સંચાલકો સામે મૃતક મહિલાના પતિ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આજે જૂનાગઢ પોલીસે ઘટનાના લગભગ એક વર્ષ બાદ હોસ્પિટલના ત્રણ સંચાલકોની અટકાયત કરી છે.

ગત વર્ષ 2024 ના ઓગસ્ટ મહિનામાં જૂનાગઢમાં આવેલી હેલ્થ પ્લસ હોસ્પિટલમાં તબીબોની નિષ્ક્રિયતા અને બેદરકારીનો એક બનાવ પ્રકાશમાં આવ્યો હતો. અહીં કુલ છ મહિલા સારવાર માટે આવી હતી. સિઝેરિયન ઓપરેશન બાદ બે પ્રસુતાના મોત થયા હતા, અને અન્ય ચાર પ્રસુતા મહિલાને કિડની ખરાબ થઈ ગઈ હતી. હાલ ચારેય મહિલાઓ ગંભીર હાલતમાં કિડનીની સારવાર મેળવી રહી છે.

આ સમગ્ર મામલામાં બંને મૃતકના પતિ ફરિયાદી આકાશ મિયાત્રા અને ભરત બાલસએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે જૂનાગઢ પોલીસે ફરિયાદ નોંધીને મહિલા તબીબ અને અન્ય લોકોની ધરપકડ કરવાની દિશામાં કામ શરૂ કર્યું હતું. પરંતુ ફરિયાદીએ આરોપી તરીકે દર્શાવેલા તમામ લોકો ફરાર થઈ ગયા હતા. જે તે સમયે તમામ મહિલાની પ્રસુતિ અને ત્યારબાદ સારવાર માટે જોડાયેલી બે મહિલા તબીબ પણ ફરાર થઈ ગઈ હતી.

આ કેસમાં ખૂબ લાંબી કાયદાકીય કસરત બાદ મહિલા તબીબને રાજ્યની વડી અદાલતે આગોતરા જામીન આપ્યા હતા. જોકે, આ મામલામાં હાલ ઘટનાને એક વર્ષ બાદ જૂનાગઢ પોલીસે હેલ્થ પ્લસ હોસ્પિટલના ત્રણ સંચાલકોની અટકાયત કરી છે. પોલીસ પકડમાં રહેલા ત્રણેય આરોપીને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે ત્રણેય આરોપીને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. હાલ સમગ્ર મામલામાં બી ડિવિઝન પોલીસ વધુ તપાસ કરી રહ્યા છે.

આ સમગ્ર મામલામાં જૂનાગઢ પોલીસે ઇન્ફેક્શન અને ટ્રીટમેન્ટ પ્રોટોકોલનું પાલન થયું છે કે નહીં તે માટે ભાવનગર મેડિકલ કોલેજમાં તપાસ માટે તમામ રિપોર્ટ મોકલ્યા હતા. ભાવનગર મેડિકલ કોલેજે પણ એક તપાસ કમિટી બનાવી સમગ્ર મામલાની તપાસ કરી હતી. ત્યારબાદ રાજ્યના આરોગ્ય વિભાગે પણ કમિટી બનાવીને ્રઆ કિસ્સામાં તપાસ શરૂ કરી હતી.

સમગ્ર મામલામાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો રિપોર્ટ પણ સામે આવ્યો. આ તમામ રિપોર્ટ અનુસાર ઇન્ફેક્શન અને ટ્રીટમેન્ટ પ્રોટોકોલનું પાલન ન થવાને કારણે સિઝેરિયન દરમિયાન બે મહિલાને ઇન્ફેક્શન થતા મોત થયા હોવાનું જણાયું હતું. ઉપરાંત અન્ય ચાર પ્રસુતા મહિલાને ઇન્ફેક્શનને કારણે કિડની સદંતર ખરાબ થઈ ગઈ હોવાની પુષ્ટિ રિપોર્ટમાં કરી હતી. આ રિપોર્ટ બાદ પોલીસે આરોપીની અટકાયત કરવાની દિશામાં તપાસ શરૂ કરી હતી.

Related Posts