જળ સંરક્ષણ પ્રત્યે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દ્રઢ સંકલ્પને આગળ વધારતાં, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે 4 એપ્રિલે કૅચ ધ રેઇન – સુજલામ સુફલામ જળ અભિયાન 2.0ની શરૂઆત કરી હતી. આ અભિયાનને હવે એક મહિનાથી વધુ સમય થઈ ચૂક્યો છે અને આટલા ઓછા સમયગાળામાં રાજ્ય સરકારે નોંધનીય પ્રગતિ કરી છે. 5 મે સુધીના ડેટા અનુસાર, કુલ 10,523 લક્ષિત કાર્યોમાંથી, 1,300 કાર્યોનું અમલીકરણ શરૂ થઈ ગયું છે જ્યારે 317 કાર્યો સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયા છે.
SSJA 2.0ના અમલીકરણમાં મહેસાણા મોખરે
સુજલામ સુફલામ જળ અભિયાન 2.0 હેઠળ મહેસાણા જિલ્લાએ જળ સંરક્ષણ અને ગ્રામીણ માળખાગત સુવિધાઓના ક્ષેત્રમાં નોંધપાત્ર નેતૃત્વ દર્શાવ્યું છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 416 કામો અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવ્યા છે, જે રાજ્યના તમામ જિલ્લાઓમાં સૌથી વધુ છે. ત્યારબાદ બનાસકાંઠા (159), ભરૂચ (139), આણંદ (121), દેવભૂમિ દ્વારકા (114), ગીર સોમનાથ (99) અને પોરબંદર (93) જેવા જિલ્લા અગ્રણી સ્થાન પર છે, જે અભિયાનને વેગ આપી રહ્યા છે. આ ઉપરાંત, બોટાદ (91), અમદાવાદ (88), નવસારી (74), જામનગર (58), જૂનાગઢ (30), અમરેલી (23), ભાવનગર (20), સાબરકાંઠા (20), પાટણ (16), ગાંધીનગર (12) અને પંચમહાલે (10) પણ અભિયાનમાં સક્રિય ભાગીદારી નોંધાવી છે.
36 શ્રેણીઓમાં તળાવો ઊંડા કરવાનું કાર્ય સૌથી આગળ, 1859માંથી 450 પ્રગતિ હેઠળ
સુજલામ સુફલામ જળ અભિયાન 2.0 હેઠળ, 36 વિવિધ શ્રેણીઓમાં કામો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેમાં તળાવોને ઊંડા કરવાની પ્રવૃત્તિ સૌથી વધુ સક્રિય રહી છે. વર્ષ 2025 માટે નિર્ધારિત 1859 લક્ષ્યાંકોમાંથી અત્યાર સુધીમાં 450 કામો પ્રગતિમાં છે અને 4 કામો પૂર્ણ થયા છે. અન્ય મુખ્ય પ્રવૃત્તિઓમાં, બોરવેલ રિચાર્જ માટે નિર્ધારિત 660 લક્ષ્યોમાંથી 149 પર કામ ચાલુ છે, જ્યારે ચેક ડૅમ ડીસિલ્ટિંગના 1,990 પ્રોજેક્ટ્સમાંથી 133 પર કામ શરૂ થઈ ગયું છે. ચેક ડૅમ સમારકામ માટે કુલ 826 કામોનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, નહેર સંરચનાની સફાઈ, વરસાદી પાણીના નિકાલ માટેની ગટરોની જાળવણી અને વરસાદી પાણીનો સંગ્રહ જેવી વિવિધ પ્રવૃત્તિઓનો પણ આ અભિયાનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
જળ સંસાધન વિભાગ મહત્તમ 5,734 કામો અમલમાં મૂકશે
સુજલામ સુફલામ જળ અભિયાન 2.0 હેઠળ વિભાગો દ્વારા કામોના અમલીકરણની વાત કરીએ તો, ગુજરાતનો જળ સંસાધન વિભાગ 5734 આયોજનબદ્ધ કામોની સાથે સૌથી આગળ છે, જે જળ સંરક્ષણના પ્રયાસોમાં રાજ્યની મુખ્ય ભૂમિકા પ્રદર્શિત કરે છે. હાલમાં વિભાગના 632 કામો સક્રિય રીતે પ્રગતિમાં છે. ત્યારબાદ, ગ્રામીણ વિકાસ વિભાગ 2244 કામોના લક્ષ્યાંક સાથે બીજા સ્થાન પર છે, જેમાંથી 478 કામોનું અમલીકરણ શરૂ થઈ ગયું છે. અન્ય મુખ્ય વિભાગોમાં પાણી પુરવઠા વિભાગ 796 કામો, પંચાયત અને ગ્રામીણ આવાસ વિભાગ 600 કામો તેમજ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ દ્વારા 644 કામોના અમલીકરણનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
અમલીકરણની પદ્ધતિઓમાં મનરેગા (MGNREGA) ટોચ પર, 689 કામો અમલમાં મૂકાયા અને 68,586 માનવદિવસોનું સર્જન થયું
SSJA 2.0 હેઠળ અમલીકરણની પદ્ધતિઓને આ વર્ષ ત્રણ કેટેગરીમાં વિભાજિત કરવામાં આવી છે, જેમાં મનરેગા (MGNREGA), જનભાગીદારી અને વિભાગીય કામો સામેલ છે. આ અભિયાનના માસ્ટર પ્લાન અંતર્ગત 2240 કામો મનરેગા હેઠળ કરવાનો લક્ષ્યાંક છે, અને અત્યારસુધીમાં તેમાંથી 476 કામોને અમલી કરવા માટે તેમદ 213 કામોને પૂર્ણ કરવા સાથે મનરેગા સૌથી આગળ છે.
બીજી બાજુ વિભાગીય કામોની વાત કરીએ તો, તેના હેઠળ 4227 કામો કરવામાં આવનાર છે, જેમાંથી અત્યારસુધીમાં 387 કામો પ્રગતિ પર છે અને 60 કામો પૂર્ણ થઈ ચૂક્યા છે. અંતે, જનભાગીદારીની વાત કરીએ તો તેના હેઠળ 4056 કામોને સંપાદિત કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે અને અત્યારસુધીમાં 437 કામો પ્રગતિમાં છે અને 44 કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, આ સમગ્ર અભિયાન હેઠળ કરવામાં આવેલા કામો થકી અત્યારસુધીમાં 68,586 માનવદિવસોનું પણ સર્જન થયું છે.
Recent Comments