રાષ્ટ્રીય

ગાઝામાં આજથી યુદ્ધવિરામ સમજૂતી લાગુ, ઇઝરાયલે પોતાની સેનાને પરત બોલાવી

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સાતમી ઑક્ટોબર 2023થી ચાલી રહેલા યુદ્ધમાં આખરે શુક્રવારે (10મી ઑક્ટોબર) યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના 20 મુદ્દાના પ્રસ્તાવો પરનો યુદ્ધવિરામ કરાર આજે ગાઝામાં અમલમાં આવ્યો છે. જો કે, ઉત્તરી ગાઝામાં ભારે ગોળીબારના અહેવાલો સામે આવતા શાંતિ સ્થાપિત થવા અંગે શંકાઓ ઊભી થઈ છે.ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ(IDF)એ જાહેરાત કરી છે કે હમાસ સાથેના યુદ્ધવિરામ કરાર બાદ તેમના સૈનિકો ગાઝામાંથી પાછા ફરી રહ્યા છે. યુદ્ધવિરામ કરાર બાદ એવી આશા છે કે તે ગાઝામાં અસ્થિરતા અને વધતી જતી માનવતાવાદી કટોકટીને અટકાવીને શાંતિ તરફનું એક સકારાત્મક પગલું હોઈ શકે છે. જો કે, યુદ્ધવિરામ કરારની શરતો અને તેના અમલીકરણની વિગતો હજુ સુધી સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ નથી.યુદ્ધવિરામ શુક્રવારે લાગુ થયો તે પહેલાં ઇઝરાયલે ગાઝા પર હુમલો કર્યો હતો. પેલેસ્ટિનિયનોએ ઉત્તરી ગાઝામાં ગોળીબાર થયાની માહિતી આપીને ઇઝરાયલ પર યુદ્ધવિરામ કરાર છતાં યુદ્ધ ચાલુ રાખવાનો આરોપ લગાવ્યો છે. અહેવાલો અનુસાર, ગાઝાના કેટલાક વિસ્તારોમાં મિસાઇલ હુમલાઓ થયા છે, જેના કારણે જાનમાલને મોટું નુકસાન થયું છે. આ ચાલુ રહેલી હિંસાને કારણે યુદ્ધવિરામની અસરકારકતા અસ્થિર જણાય છે.આ યુદ્ધવિરામ કરાર ત્યારે અમલમાં આવ્યો જ્યારે બંને પક્ષો ઇઝરાયલી બંધકો અને પેલેસ્ટિનિયન કેદીઓને પરસ્પર મુક્ત કરવા સંમત થયા. ઇઝરાયલે જણાવ્યું છે કે ‘યુદ્ધવિરામ કરારના તમામ પાસાઓનું પાલન કરશે અને આશા રાખે છે કે આ કરાર પરિસ્થિતિને શાંત કરવામાં મદદ કરશે.’નિષ્ણાતો માને છે કે આ યુદ્ધવિરામ કરાર કામચલાઉ હોઈ શકે છે અને સાચી તથા કાયમી શાંતિ માટે બંને પક્ષો વચ્ચે વધુ વાતચીતની જરૂર પડશે. યુદ્ધવિરામ કરારનો કેટલો કડક અમલ થાય છે અને તે કાયમી શાંતિનો માર્ગ ખોલે છે કે કેમ તે જોવાનું બાકી છે. ઇઝરાયેલ સેનાના પીછેહટના પગલાને કેટલાક લોકો સકારાત્મક માને છે, જ્યારે અન્ય લોકો તેને માત્ર કામચલાઉ રાહત તરીકે જુએ છે.

Related Posts