અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ગેરકાયદે ઈમિગ્રેશન પરના કડક વલણને પગલે યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS)એ નવા અને કડક સરહદી નિયમો જાહેર કર્યાં છે. આ નવા નિયમો અંતર્ગત દેશમાં પ્રવેશતા અને બહાર નીકળતા તમામ બિન-અમેરિકન નાગરિકોનો ફોટોગ્રાફ અને બાયોમેટ્રિક ડેટા લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ નિયમમાં અમેરિકાના ગ્રીન કાર્ડ (કાયમી નિવાસી) ધરાવતા લોકોનો પણ સમાવેશ થાય છે.
યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP) દ્વારા સુરક્ષા મજબૂત કરવા અને નકલી મુસાફરી દસ્તાવેજોના ઉપયોગને અટકાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. આ નિયમ 26મી ડિસેમ્બર, 2025થી લાગુ કરવામાં આવશે.અહેવાલો અનુસાર, CBP અધિકારીઓ જમીન, સમુદ્ર અને એરપોર્ટ સહિત દેશમાં પ્રવેશના તમામ સ્થળોએ મુસાફરી કરતા અને ત્યાંથી આવતા તમામ બિન-અમેરિકનોના ફોટોગ્રાફ્સ અને અન્ય બાયોમેટ્રિક માહિતી એકત્રિત કરશે. અગાઉ 14 વર્ષથી ઓછી ઉંમરના અને 79 વર્ષથી વધુ ઉંમરના પ્રવાસીઓને ફોટોગ્રાફિક અને બાયોમેટ્રિક તપાસમાંથી મુક્તિ આપવામાં આવતી હતી. હવે આ છૂટને દૂર કરીને આ વય જૂથોના લોકો માટે પણ બાયોમેટ્રિક ડેટા એકત્રિત કરવો ફરજિયાત બનશે.
CBP હાલમાં કેટલાક મુખ્ય એરપોર્ટ્સ પર ફેશિયલ રેકગ્નિશન ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે, પરંતુ નવા નિયમથી આ પ્રક્રિયા તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર ફરજિયાત બનશે.DHSના જણાવ્યાનુસાર, આ નવા નિયમના અમલીકરણથી આઈડેન્ટિટી ફ્રોડ શોધવામાં, વિઝા ઓવરસ્ટે કરનારાઓને ટ્રેક કરવામાં અને સરહદ પરની સુરક્ષાને મજબૂત બનાવવામાં મદદ મળશે. કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસના વર્ષ 2023ના એક અહેવાલ મુજબ, અમેરિકામાં આશરે 11 મિલિયન ગેરકાયદે ઇમિગ્રન્ટ્સમાંથી 42 ટકા લોકો એવા હતા જેઓ વિઝાની સમય મર્યાદા પૂરી થયા પછી પણ દેશમાં રોકાયા હતા.CBPનો અંદાજ છે કે આગામી પાંચ વર્ષમાં દરેક એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ પર આ નિયમ સંપૂર્ણપણે લાગુ કરવામાં આવશે. આ નવી સિસ્ટમ હેઠળ, CBP દરેક મુસાફર સાથે સંકળાયેલી તસવીરનો ડેટાબેઝ બનાવશે અને પ્રવેશ તથા બહાર નીકળવાના સ્થળોએ લેવામાં આવેલા રીઅલ-ટાઇમ ફોટા સાથે તેને મેચ કરશે.


















Recent Comments