ગુજરાત

છોટાઉદેપુર: સિમેન્ટની આડમાં શરાબની હેરાફેરી, ટેન્કરને ગેસ કટરથી કાપતા પોલીસ પણ ચોંકી ઉઠી

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ને મોટી સફળતા મળી છે. છોટાઉદેપુરથી પાવીજેતપુર તરફ જતા રસ્તા પરથી LCBએ ટેન્કરમાંથી આશરે 2.70 કરોડ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. લુઝ સિમેન્ટ ભરવાના ટેન્કરનો ઉપયોગ દારૂની હેરાફેરી માટે થતો હોવાનું બહાર આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.મળતી માહિતી અનુસાર, LCB પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે પાવીજેતપુર તરફ જઈ રહેલા એક ટેન્કરમાં સિમેન્ટની આડમાં મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી થઈ રહી છે. આ બાતમીના આધારે LCBની ટીમે હાઇવે પર શંકાસ્પદ જણાતા એક ટેન્કરને રોક્યું અને તેની સઘન તપાસ કરી. તપાસ દરમિયાન ટેન્કરના કમ્પાર્ટમેન્ટમાં લુઝ સિમેન્ટની આડમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે દારૂનો જથ્થો, ટેન્કર અને અન્ય વસ્તુઓ સહિત કુલ 2,70,14,200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. જોકે, ટેન્કરને ગેસ કટરથી કાપીને આ દારૂનો જથ્થો બહાર કાઢ્યો હતો. હાલ મામલે પોલીસે ઝડપાયેલા ટેન્કરચાલક મહેશ જાટ સહિત અન્ય ત્રણ આરોપીઓ સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.ઝડપાયેલો આ દારૂનો જથ્થો રાજસ્થાનથી ગુજરાતમાં ઘૂસાડવાનો પ્રયાસ હતો, જેને LCBએ નિષ્ફળ બનાવ્યો છે. હાલ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો, તે અંગેની ઊંડી તપાસ ચાલી રહી છે. દારૂની તસ્કરીના નેટવર્કની કડીઓ મેળવવા માટે આરોપી મહેશ જાટની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે.

Related Posts