મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક નગરી તરીકે ઓળખાતા ભાવનગર શહેરને આજે
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રૂ.156 કરોડથી વધુના વિકાસકાર્યોની ઐતિહાસિક ભેટ મળી છે.
ભાવનગરના ઝવેરચંદ મેઘાણી હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ભાવનગર માત્ર
સંસ્કારી નગરી જ નહીં પરંતુ ઇતિહાસ, ઉદ્યોગ અને શિક્ષણનું વાઇબ્રન્ટ કેન્દ્ર છે. ભાવનગરની આ સમૃદ્ધ વિરાસત
પાછળ રાજવી શ્રી કૃષ્ણકુમારસિંહજીની દીર્ઘદ્રષ્ટિ રહેલી છે, જેમણે સૌપ્રથમ ભાવનગર સ્ટેટને દેશહિત અને અખંડ
ભારત માટે સરદાર વલ્લભભાઈ પટેલને સોંપવાની ઐતિહાસિક પહેલ કરીને રાષ્ટ્રીય એકતામાં અમૂલ્ય યોગદાન
આપ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાવનગરમાં શિપ બ્રેકિંગ, શિપ
રિસાયકલિંગ યાર્ડ તેમજ દેશના પ્રથમ સી.એન.જી. ટર્મિનલ જેવા મહત્વના પ્રોજેક્ટ્સ સાકાર થયા છે, જેના કારણે
ગુજરાતની વાઇબ્રન્ટ વિકાસયાત્રાને નવી ગતિ મળી છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રીનું સ્પષ્ટ વિઝન શહેરોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, સિટિઝન સેન્ટ્રિક
ગવર્નન્સ અને નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરવાનો છે. ભાવનગર મહાનગરપાલિકા આ વિઝનને
અનુરૂપ વિશ્વાસ અને વિકાસ સાથે આગળ વધી રહી છે. આજે રૂ.156 કરોડથી વધુના કુલ 23 વિકાસકાર્યો દ્વારા
પીવાના પાણીની સુવિધા, ટ્રાફિક અને પરિવહન વ્યવસ્થા, પર્યાવરણ અને સ્વચ્છતા તેમજ સામાજિક અને સાંસ્કૃતિક
વિકાસ ક્ષેત્રે નાગરિકોને વિશાળ લાભ મળશે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાનશ્રી સમય કરતાં બે પગલાં આગળ વિચારનારા દુરંદેશી નેતા છે,
2005માં ગુજરાતમાં ઉજવાયેલ શહેરી વિકાસ વર્ષને દેશ માટે માર્ગદર્શક બનાવ્યો છે. તેની સફળ પરંપરાને આગળ
વધારતાં વર્ષ 2025ને ફરી એકવાર શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું છે. આ શહેરી વિકાસ વર્ષની ઉજવણી
અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકાએ વધુ સારી નાગરિક સેવાઓ, સિટિઝન એન્ગેજમેન્ટ ગવર્નન્સ, કનેક્ટિવિટી,
સસ્ટેનેબલ અર્બન પ્લાનિંગ, હાઉસિંગ ફોર ઓલ અને લાઈવલીહૂડ પ્રમોશન જેવા મુદ્દાઓને વિકાસ રોડમેપમાં
સમાવ્યા છે, જેના માટે મહાનગરપાલિકાની ટીમને મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાને ગેમ ચેન્જર ગણાવતા તેમણે જણાવ્યું કે રાજ્યભરમાં
અત્યાર સુધી રૂ. 66 હજાર કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી છે, જ્યારે માત્ર છેલ્લા ચાર વર્ષમાં ભાવનગર
મહાનગરને રૂ. 954 કરોડ જેટલી રકમ વિકાસલક્ષી કામો માટે ફાળવવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, તાજેતરમાં રાજકોટ ખાતે યોજાયેલી સૌરાષ્ટ્ર-કચ્છ VGRCમાં ભાવનગર શહેર અને
જિલ્લાના પોટેન્શિયલને ધ્યાનમાં રાખીને રૂ. 60 હજાર કરોડથી વધુના રોકાણ માટે 306 એમ.ઓ.યુ. થયા છે. આ
ઉદ્યોગોથી ભવિષ્યના શહેરીકરણને અવસર તરીકે અપનાવી ભાવનગર સિટિઝન સેન્ટ્રિક ગવર્નન્સની દિશામાં અગ્રેસર
રહેશે.
કેન્દ્રિય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કુશળ
અને દ્રષ્ટિવાન નેતૃત્વ હેઠળ ભારત આજે વિકાસના નવા કીર્તિમાનો સ્થાપ્યા છે. તેમણે જણાવ્યું કે, આજે એક જ
દિવસમાં રૂ. ૧૫૬ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમૂહુર્ત થવાથી ભાવનગર સહિત સમગ્ર
વિસ્તારના સર્વાંગી વિકાસને નવી ગતિ આપશે.
તેમણે જણાવ્યું કે, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભાવનગરમાં સ્પીપા (SPIPA) કેન્દ્રને મંજૂરી
આપી છે. આ કેન્દ્રથી ભાવનગર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના
દીકરા-દીકરીઓને યુપીએસસી અને જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગુણવત્તાસભર માર્ગદર્શન મળશે
અને તેમના ઉચ્ચ અધિકારી બનવાના સપનાઓ સાચા અર્થમાં સાકાર થશે.
કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી શ્રી
ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના સશક્ત અને દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ હેઠળ રાજ્યમાં વ્યાપક
વિકાસકાર્યો થઈ રહ્યા છે. આ વિકાસયાત્રામાં ભાવનગર શહેર આજે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. તેમણે
કહ્યું કે, અનેકવિધ વિકાસકાર્યોના પરિણામે ભાવનગર આજે આધુનિક સુવિધાઓ સાથે આગળ વધી રહ્યું છે.
આ પ્રસંગે ભાવનગરના પ્રભારી જિલ્લાના મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય સર્વ શ્રી સેજલબેન પંડ્યા,
ગૌતમભાઈ ચૌહાણ, ભીખાભાઈ બારૈયા, મેયર શ્રી ભરતભાઈ બારડ, જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલ,
મ્યુનિસિપલ કમિશનર શ્રી ડૉ. એન. કે. મીણા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી
રાજુભાઈ રાબડીયા, ડેપ્યુટી મેયર શ્રીમતી મોનાબેન પારેખ, આગેવાન શ્રી કુમારભાઈ શાહ સહિત જિલ્લાના
પદાધિકારીઓ- અધિકારીઓ તેમજ વિશાળ સંખ્યામાં ભાવેણાંવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

















Recent Comments