અમરેલી

અમરેલીના પ્રતિભાશાળી રમતવીરો સાથે પ્રેરક સંવાદ સાધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમરેલીના સુખનિવાસ કોલોની રોડ સ્થિત સમર્થ વ્યાયામ મંદિર (અખાડા) ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રતિભાશાળી રમતવીરો સાથે  પ્રેરક સંવાદ સાધ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ સમર્થ વ્યાયામ મંદિર ખાતે બેડમિન્ટન, ક્રિકેટ સહિતની રમતોના રમતવીરો સાથે સંવાદ સાધતા કહ્યું હતું કે, ખેલ મહાકુંભ સહિતના આયોજનો થકી રમતવીરોને મંચ મળી રહ્યું છે. ભારતના ખેલાડીઓ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું ગૌરવ વધારી રહ્યા છે.   મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધા સાથે આકાર પામેલ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની રમતવીરોને અચૂક મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો. 

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સમર્થ વ્યાયામ મંદિર ખાતે બેડમિન્ટન કોર્ટ અને પરિસરની મુલાકાત લીધી હતી. જિલ્લાથી રાષ્ટ્રીય કક્ષા સુધી વિવિધ રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર પ્રતિભાશાળી રમતવીરોનું શિલ્ડ મોમેન્ટો એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રીશ્રી ડો. જીવરાજભાઈ મહેતા અને શ્રી રામજીભાઈ કમાણીના પરિવારે વર્ષ ૧૯૪૦માં સમર્થ વ્યાયામ મંદિરના નિર્માણ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. જેમાં બેડમિન્ટન કોર્ટ, ક્રિકેટ એકેડેમી, જીમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીં શહેરના રમતવીરો દોડ સહિતની તાલીમ મેળવી શકે છે.

આ તકે અનુકંપા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી ડો.ભરતભાઈ કાનાબાર, સમર્થ વ્યાયામ મંદિર ટ્રસ્ટીમંડળના સર્વ સભ્યશ્રીઓ, સાંસદશ્રી ભરતભાઈ સુતરિયા, જિલ્લાના ધારાસભ્ય સર્વશ્રી કૌશિકભાઈ વેકરિયા, શ્રી જે.વી.કાકડીયા, શ્રી જનક તળાવીયા, શ્રી મહેશ કસવાલા, શ્રી હિરાભાઈ સોલંકી સહિતના પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts