મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમરેલીના પ્રવાસ દરમિયાન સખી મંડળની બહેનો અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે સરસ મેળાની મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ફોરવર્ડ હાઈસ્કૂલના મેદાન ખાતે આયોજિત સરસ મેળામાં સખી મંડળની બહેનો સાથે પ્રેરક સંવાદ સાધીને તેમના ઉત્પાદનોની જાણકારી મેળવી હતી. આ સાથે વોકલ ફોર લોકલની નેમને સાર્થક કરવામાં સખી મંડળની બહેનોની મહત્વની ભૂમિકા ગણાવી હતી.
ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી. (ગ્રામ વિકાસ વિભાગ) દ્વારા આયોજિત આ સરસ મેળો ખાતે તા. ૨૮ સપ્ટેમ્બર,૨૦૨૫ ખરીદી માટે ખુલ્લો રહેશે.
આ સરસ મેળામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજે પુષ્પગુચ્છ અર્પણ કરીને આવકાર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, સરસ મેળો-૨૦૨૫’માં વિવિધ મહિલા સ્વ – સહાય જૂથોની બહેનો દ્વારા હસ્તકલાની વિવિધ ચીજ-વસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ રાખવામાં આવ્યું છે. સ્વસહાય જૂથની બહેનો આર્થિક રીતે પગભર થાય તે હેતુથી એન.આર.એલ.એમ. યોજના અંતર્ગત વિનામુલ્યે સ્ટોલ તથા રહેવા જમવાની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. અહીં કુલ ૫૫ જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાત વેળાએ સાંસદશ્રી ભરતભાઈ સુતરિયા, જિલ્લાના ધારાસભ્ય સર્વશ્રી કૌશિકભાઈ વેકરિયા, શ્રી જે.વી.કાકડીયા, શ્રી જનક તળાવીયા, શ્રી મહેશ કસવાલા, શ્રી હિરાભાઈ સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી જાડેજા, અમરેલી પ્રાંત અધિકારીશ્રી મહેશ નાકીયા, સહિતના પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રઓ ઉપસ્થિત રહ્યા હતા.



















Recent Comments