અમરેલી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલે બનાસકાંઠાથી દ્વિદિવસીયરવી કૃષિ મહોત્સવ-૨૦૨૪નો રાજયવ્યાપી પ્રારંભ કરાવ્યો

રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં રવી કૃષિ મહોત્સવ-૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યુ છે. આ અંતર્ગત અમરેલી જિલ્લાના તમામ ૧૧ તાલુકામાં દ્વિદિવસીય રવી કૃષિ મહોત્સવ-૨૦૨૪નો પ્રારંભ થયો હતો.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે બનાસકાંઠાથી રાજયકક્ષાના રવી કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે પુસ્તક વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું જીવંત  પ્રસારણ પણ અમરેલીના ચાડિયા ખાતે આયોજિત રવિ કૃષિ મહોત્સવમાં ખેડૂતોએ નિહાળ્યું હતું.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને કૃષિ મંત્રીશ્રી દ્વારા રાજય સરકારના ખેડુતલક્ષી અભિગમ અને રાજય સરકાર દ્વારા ખેડુતોને આપવામાં આવતી સહાય વિશે જણાવ્યુ હતુ.  અમરેલીના ચાડીયા ગામે યોજાયેલા રવી કૃષિ મહોત્સવના કાર્યક્રમના પ્રારંભે, નાયબ મુખ્ય દંડક અને અમરેલી-વડીયા-કુંકાવાવ ધારાસભ્ય શ્રી કૌશિકભાઇ વેકરિયાએ દીપ પ્રાગટ્ય કરી રવિ કૃષિ મહોત્સવને ખુલ્લો મુક્યો હતો.
રવી કૃષિ મહોત્સવ-૨૦૨૪ કાર્યક્રમ અતંર્ગત જિલ્લાના તમામ તાલુકાઓમાં ખેડૂત લાભાર્થીઓને આશરે રુ.૧.૧૦ કરોડના સહાય મંજૂરી પત્રો અને રુ.૨૩ લાખના પૂર્વ મંજૂરી વર્ક ઓર્ડરનું વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું.

અમરેલી પ્રાંત અધિકારીશ્રી મહેશ નાકિયા, અમરેલી જિલ્લા ખેતવાડી અધિકારી શ્રી કાનાણી, ગામ અગ્રણીશ્રીઓ સહિત મહાનુભાવોના હસ્તે ખેડુતોને નેનો યુરિયાનું વિતરણ કરવામાં આવ્યું હતું.કૃષિ વૈજ્ઞાનિક શ્રી પ્રજાપતિએ,  પ્રાકૃતિક કૃષિમાં વનસ્પતિ આધારિત દવાઓનું નિર્માણ, ખેતીમાં મૂલ્યવર્ધન થકી વધુ આવક, ખેતીમાં આચ્છાદન, મિશ્ર પાક લેવા, પંચતર્ય, જમીનનું પૃથક્કરણ અને કપાસના પાકમાં વધારો થાય તેના ઉપાયો, ગુલાબી ઇયના નિયંત્રણ- ફેરોમેન ટ્રેપનો ઉપયોગ, લીંબોળીનું તેલ, બાયો એજન્ટ, પ્રકાશ પિંજરના ઉપયોગ થકી જીવાત નિયંત્રણ અને સાંકડા ગાળા પદ્ધતિ અપનાવી વધુ ઉત્પાદન મેળવવા વિશે માર્ગદર્શન આપ્યું હતું.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિક શ્રી જે. એલ. સાંગાણીએ, કૃષિ ઉત્પાદન વધારવા ચાવીરુપ પ્રયાસો વિશે જણાવ્યુ હતુ. બીજ માવજત, વિકસાવેલી નવી રોગપ્રતિકારક જાતના બિયારણનો ઉપયોગ કરી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવું. ઓછાં પાણીએ જમીન જાળવણી કરવી. કપાસ ફરતે ગલગોટા વાવેતર થકી જીવાત નિયંત્રણ, આચ્છાદન, ખેતીમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ, ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિ વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.

જિલ્લાભરમાં યોજાયેલા રવી કૃષિ કાર્યક્રમમાં પશુ આરોગ્ય મેળો પણ યોજાયો હતો. કાર્યક્રમમાં નાગરિકો માટે ફાર્મર રજિસ્ટ્રી અને  ઇ-કેવાયસી સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી. પશુપાલન પ્રદર્શન અને કૃષિ પ્રદર્શની યોજાઈ હતી. મિલેટ્સનું મહત્વ સમજાવતી અને ખેતીમાં ઉપયોગી અદ્યતન ટેકનોલોજી વિષયક ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

ચાડીયા ખાતેના કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત અને કાર્યક્રમની રુપરેખા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કાનાણીએ અને આભાર વિધિ તાલુકા વિકાસ અધિકારીશ્રી જયેશ કટેશિયાએ કરી હતી.  

આ પ્રસંગે સ્ટેટ નોડલ ડૉ. પિયુષ કાકડિયા, પ્રાંત અધિકારીશ્રી મહેશ નાકિયા, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કાનાણી, મદદનીશ ખેતી નિયામક શ્રી દિવ્યા પરમાર, તાલુકા વિકાસ અધિકારીશ્રી જયેશ કટેશિયા, સાજિયાવદરના સરપંચ શ્રી હરેશભાઇ ધાધલ, ચાડીયાના ઉપસરપંચ શ્રી હરેશભાઇ વાળા, પૂર્વ સરપંચ શ્રી ઘનશ્યામભાઇ વાળા, ગામના વતની અને વિદેશમાં વસતા શ્રી નીરુભાઇ રામાણી, ગ્રામ અગ્રણીશ્રીઓ, પ્રગતિશીલ ખેડુતો, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિક શ્રી ગોહેલ, વિસ્તરણ અધિકારી શ્રી સચિન પટેલ, ખેતીવાડી શાખાના શ્રી રાહુલભાઇ શેખવા, શ્રી ડી.સી. સાવલિયા, તલાટી કમ મંત્રીશ્રી વૈશાલીબેન અગ્રાવત, ચાડીયા અને આજુબાજુના ગામના તલાટી કમ મંત્રીશ્રીઓ અને ગ્રામસેવકશ્રીઓ તથા ખેડુત ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts