મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે જળસંચયની શૃંખલાને આગળ વધારતા આજે અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં પીપરીયા -ઝમકુડી નદીના પુનર્જીવિત પ્રકલ્પનું ખાતમુહૂર્ત કર્યું હતું. જળસંચયના આ કામ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.૧૫.૬૬ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
મતીરાળાથી કૃષ્ણગઢ અને કેરાળાથી કૃષ્ણગઢ એમ કુલ ૯.૬ કિલોમીટરના નદીના વિસ્તારમાં જળ સંગ્રહ ક્ષમતા વધારવા માટે ઝમકુડી નદીને ઊંડી અને પહોળી કરવામાં આવશે. આ પ્રોજેક્ટ રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ૮૦:૨૦ લોકભાગીદારથી સાકાર થશે.
મુખ્યમંત્રીશ્રીએ મતીરાળા ગામમાં પીપરીયા-ઝમકુડી નદીના પુનર્જીવનના પ્રકલ્પનું ખાતમુહૂર્ત કર્યા બાદ સ્થાનિક ગ્રામજનોને સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના નાણાકીય વ્યવસ્થાપનને એટલું મજબૂત કર્યું છે કે, વિકાસના કાર્યો માટે નાણાની કોઈ અછત વર્તાતી નથી. તેવી જ રીતે તેમના દ્રષ્ટિવંત નેતૃત્વમાં જળ સંરક્ષણ માટે અત્યારથી જ ભવિષ્યની જરૂરિયાતને ધ્યાને રાખી સુદ્રઢ આયોજન કર્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ આશરે ૨૫૦૦ વર્ષ પહેલાના ભગવાન મહાવીરના પાણીને ઘીની જેમ વાપરવાના શબ્દોને યાદ કરતા કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ પાણીને પ્રસાદ કહ્યો છે, ત્યારે પાણીનો અનુચિત રીતે બગાડ ન થાય અને પાણી બચાવવાની દરેક જણ પોતાની વ્યક્તિગત જવાબદારી છે, તે સમજે તે પણ એટલું જ જરૂરી છે.
વરસાદી પાણી વહી ન જાય, ગામનું પાણી ગામમાં રહે અને સીમનું પાણી સીમમાં રહે તે માટે કેન્દ્ર રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ અભિયાનો અમલમાં મૂક્યા છે, તે સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વરસાદી પાણીની દરેક બુંદનો બચાવ થાય તે માટે ‘કેચ ધ રેઈન’ અભિયાન શરૂ કર્યું છે. આ ઉપરાંત દેશના દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવરના નિર્માણની યોજના પણ સહકારી થઈ છે.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, રાજ્ય સરકાર તબક્કા વાર દરેક નદીઓને પુનર્જીવિત થાય તે દિશામાં પ્રયાસ કરી રહી છે. તેમણે ખાસ અમરેલી જિલ્લામાં જનભાગીદારીથી ગાગડીયો નદીના પુનર્જીવિત થવાનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે, અહીં આજે કોઈપણ સિઝનમાં આંખોને ઠંડક આપતું વાતાવરણ નિર્મિત અહીં થયું છે. ત્યારે પીપરીયા- ઝમકુડી નદીને ઊંડી અને પહોળી કરવાની યોજનાથી જે નદીના આસપાસના ખરાપટ્ટામાં ખેડૂતોને મોટી રાહત મળશે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વરસાદી પાણીનો સંગ્રહ થાય અને તેને જમીનમાં ઉતારવા માટે જુદા જુદા જળ સંરક્ષણના કામ માટે રાજ્યના પ્રત્યેક ધારાસભ્યશ્રીને દર વર્ષે રૂ.૫૦ લાખનું અલગથી અનુદાન પણ આપી રહી છે.
મુખ્યમંત્રીશ્રીએ પ્રાકૃતિક કૃષિ અપનાવવાનો સવિશેષ અનુરોધ કરતા જણાવ્યું હતું કે, જમીન અને લોકોના સ્વાસ્થ્યના રક્ષણ માટે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ એક માત્ર વિકલ્પ બચ્યો છે, પ્રવર્તમાન સમયમાં નાની ઉંમરમાં લોકોને ડાયાબિટીસ, કેન્સર, હૃદય રોગ જેવી બીમારીઓ સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે પ્રાકૃતિક કૃષિ સમયની સમયની માંગ બની ચૂકી છે. તેમણે કહ્યું કે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિકની મુહિમને આગળ વધારવા માટે કામ કરી રહ્યા છે. રાજ્યમાં ૧૦ લાખ કરતા વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી પણ ચૂક્યા છે.
તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર દરેક પગલે ખેડૂતોની સાથે ઉભા રહેવા માટે તૈયાર છે. તેમણે એમ પણ કહ્યું કે, જ્યાં કોઈપણ મુશ્કેલીઓ લોકોને સામનો કરવો પડતો હોય તે રાજ્ય સરકારને મોકલી આપો, સરકાર આ મુશ્કેલીઓનું સમાધાન માટે શક્ય એટલા પ્રયાસો કરશે.
મુખ્યમંત્રીશ્રીએ અંતમાં સૌના સહકારથી ૨૦૪૭ સુધીમાં વિકસિત ગુજરાત થી વિકસિત ભારતના સંકલ્પને દોહરાવ્યો હતો.
આ પ્રસંગે પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર વિસ્તારને એક સમયે પાણી માટે ખૂબ સંઘર્ષનો સામનો કરવો પડતો હતો, પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌરાષ્ટ્ર માટે સૌની યોજના ઉપરાંત નદી ચેકડેમ ઊંડા કરી ભૂગર્ભ જળસ્તર વધાર્યું છે. જે મોટી રાહત રૂપ છે.
તેમણે અમરેલી જિલ્લામાં સૌની યોજનાની કેનાલ લિંક ૪ અને ૨ના માધ્યમથી અમરેલી જિલ્લાના જુદા જુદા જળાશયોમાં પાણી ઉપલબ્ધ થશે. ઉપરાંત ધોળકિયા ફાઉન્ડેશનના સહયોગથી થયેલા જળસંચયના કામોનો ઉલ્લેખ કરતા ભાવિ પેઢીના ભવિષ્યને ધ્યાને રાખી પાણીનો સમુચિત ઉપયોગ કરવા માટે અનુરોધ કર્યો હતો.
પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાએ પ્રસંગિક સંબોધનમાં જળ સંરક્ષણની ભૂમિકા આપતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના પ્રોજેક્ટથી પીપરીયા- ઝમકુડી નદીને પુનર્જીવિત કરીને આસપાસના વિસ્તાર ફરી નવપલ્લવીત થશે. આ સાથે તેમણે આ વિસ્તારને લીલોછમ બનાવવા માટે વધુ વૃક્ષોના વાવેતર કરવા માટે પ્રેરણા પણ પૂરી પાડી હતી.
આ પ્રસંગે શાબ્દિક સ્વાગત કરતા લાઠીના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી જિલ્લા અને લાઠી વિસ્તારના વિકાસ કાર્યો માટે ઉદાર હાથે અનુદાન આપ્યું છે, આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, માત્ર લાઠી મતવિસ્તારની ૪ નદીઓના પાણીના સંરક્ષણ માટે ખૂબ મોટું અનુદાન આપ્યું છે. ઉપરાંત નાના મોટા રસ્તાઓના શ્રી સરફેસિંગ માટે ૨૦ કરોડ અને વરસડા – લાઠી રોડ માટે પણ ૧૪ કરોડ રૂપિયા ફાળવ્યા છે.
આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, સ્થાનિક આગેવાનો હોદ્દેદારોએ મુખ્યમંત્રીશ્રીનું સ્મૃતિચિન્હ અર્પણ કરી સ્વાગત સન્માન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીના અમરેલી જિલ્લાના પ્રવાસ દરમિયાન રંગપુર ગામના ગ્રામજનોએ પણ મુખ્યમંત્રીશ્રીનું અદકેરું સ્વાગત સન્માન કર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી મહેશભાઈ કસવાળા, કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, અગ્રણી શ્રી અતુલભાઈ કાનાણી, પૂર્વ ધારાસભ્યશ્રી ઠાકરશીભાઈ મેતલિયા, સિંચાઈ વિભાગના સચિવ શ્રી પી. સી. વ્યાસ, એન્જિનિયર શ્રી એસ.જી. પંડ્યા, સંગઠનના અગ્રણી શ્રી અભય ચૌહાણ સહિતના મહાનુભાવો અને સ્થાનિક અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments