મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલીના ટાવર ચોક ખાતે ‘સ્વદેશી અભિયાન’ અંગે પ્રેરણાબળ પૂરું પાડ્યું હતું. આ તકે મુખ્યમંત્રીશ્રીએ ટાવર ચોકમાં આવેલી ૬ થી ૭ દુકાનોમાં પ્રતિકાત્મક સ્વદેશી અભિયાનના સ્ટીકર લગાવી વેપારીઓ સાથે સહજભાવે વાતચીત કરી તેમના દ્વારા વેચાતાં ઉત્પાદો વિશે જાણકારી મેળવી હતી. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક ઉત્પાદનો અને સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે, જેનાથી દેશની આર્થિક પ્રગતિને વેગ મળે અને ભારત આત્મનિર્ભર બનવા તરફ અગ્રેસર બને.
આ તકે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના ‘આત્મનિર્ભર ભારત’ બનવાના આહ્વાનને સાકાર કરવા માટે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવો એ એકમાત્ર અને મૂળભૂત રસ્તો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, ‘સ્વદેશી અભિયાન’ એ આત્મનિર્ભર ભારત બનાવવાનો મુખ્ય પાયો અને સિદ્ધાંત છે. દેશ માટે અને દેશદાઝ માટેના આ કાર્યમાં સૌનો સહયોગ જરૂરી છે અને ખાસ કરીને વેપારી સંગઠન આ અભિયાનમાં જોડાય ત્યારે તેની ગતિ બમણી થઈ જાય છે.
મુખ્યમંત્રીશ્રીએ વેપારીઓ અને નાગરિકોને ભારપૂર્વક અનુરોધ કર્યો હતો કે, આ વિચાર હવે કાયમી ધોરણે અપનાવવો પડશે. જે પણ ખરીદી થાય તે સ્વદેશી જ હોવી જોઈએ તેવો આગ્રહ કર્યો હતો. ખાસ કરીને આગામી નવરાત્રી અને દિવાળી જેવા મોટા તહેવારોમાં ધૂમધામથી ખરીદી કરતી વખતે માત્ર સ્વદેશી વસ્તુઓને જ પ્રાધાન્ય આપીએ. વેપારીઓએ માત્ર સ્વદેશી બનાવટની જ વસ્તુઓ વેચવી અને ગ્રાહકોએ પણ સ્વદેશી બનાવટની વસ્તુઓ જ્યાં વેચાતી હોય ત્યાંથી જ ખરીદી કરવી જોઈએ.
મુખ્યમંત્રીશ્રીએ વેપારી સંગઠનોની ક્ષમતા પર વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું કે, તેઓ આ અભિયાનમાં ખૂબ સારું યોગદાન આપી શકે છે, અને રાજ્ય સરકાર હરહંમેશ તેમની સાથે ઊભી છે. આ ઉપરાંત, તેમણે જી.એસ.ટીમાં કરાયેલા સુધારાઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, આ સુધારા થકી વેપારને વેગ મળવાની સાથે જેનો લાભ પ્રજાજનોને પણ મળશે.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ વ્યાપારી સંગઠનો દ્વારા બનાવાયેલા આત્મનિર્ભર ભારતના લોગોનું અનાવરણ કર્યું હતું. ઉપસ્થિત જુદાજુદા વ્યાપારી સંગઠનો દ્વારા મુખ્યમંત્રીશ્રીનું મોમેન્ટો, પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય સર્વ શ્રી જે. વી. કાકડિયા, શ્રી મહેશ કસવાલા, શ્રી જનકભાઈ તળાવીયા, શ્રી હિરાભાઈ સોલંકી, અગ્રણી શ્રી નારણભાઈ કાછડીયા, શ્રી બાવકુભાઈ ઉંધાડ સહિતના પદાધિકારીશ્રીઓ, જુદાજુદા વેપારી મંડળોના પ્રતિનિધિશ્રીઓ, સભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments