અમરેલી

બાળકોના સ્વાસ્થ્ય સાથે ભણતરનો સશક્ત આધારસ્તંભ એટલે “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” :  અમરેલી જિલ્લાની ૭૬૬ શાળાઓના ૮૮,૨૮૭ વિદ્યાર્થીઓને નિત્ય પિરસાય છે પૌષ્ટિક અલ્પાહાર

અમરેલી તાલુકાની વાંકિયા પ્રાથમિક શાળાના પરિસરમાં શાળાના પરિસરમાં રિસેસનો બેલ વાગતા જ વિદ્યાર્થીઓના કલરવથી વાતાવરણ જાગૃત થઈ ગયું. નાના ભૂલકાઓથી લઈને ધો. ૦૮ સુધીના વિદ્યાર્થીઓ ભોજન શેડ તરફ દોટ મૂકતા જોવા મળ્યા. સ્વચ્છાગ્રહી બાળકોએ હેન્ડ વૉશ લિક્વિડથી હાથ સ્વચ્છ કરી પોતાની ડીશ લઈ અને લાઇનબદ્ધ ગોઠવાઈ ગયા. થોડીવારમાં સેવિકા બહેનોએ મગ અને મિક્ષ કઠોળ ચાટ પિસરી આપી. કુદરતના અંશ જેવા બાળકોએ બે હાથ જોડી અને પ્રાર્થના કરી અને ત્યારબાદ તેઓએ સ્વાદિસ્ટ અલ્પાહારની મજા માણી.

અમરેલી જિલ્લાની ૭૬૬ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ૮૮,૨૮૭ બાળકો માટે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના એક આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. રાજ્ય સરકારની આ મહત્વપૂર્ણ યોજના અંતર્ગત અમરેલી જિલ્લાના સરકારી તથા ગ્રાન્ટ-ઇન-એઇડ પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૦૧ થી ૮ ના વિદ્યાર્થીઓને નિયમિત રીતે પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવી રહ્યો છે.

આ યોજનાનો મુખ્ય હેતુ બાળકોમાં કુપોષણ દૂર કરવો, સ્વાસ્થ્યમાં સુધારો લાવવો અને ભણતર પ્રત્યે તેમની એકાગ્રતા વધારવાનો છે. અમરેલી જેવા મુખ્યત્વે કૃષિ આધારિત જિલ્લામાં ઘણા પરિવારો આર્થિક રીતે મધ્યમ અથવા નબળી સ્થિતિ ધરાવે છે. આવા સંજોગોમાં શાળામાં મળતો પૌષ્ટિક અલ્પાહાર બાળકોના દૈનિક પોષણમાં મહત્વપૂર્ણ ફાળો આપી રહ્યો છે.

આ અંગે શાળાના શિક્ષિકાશ્રી પ્રવિણાબેન બોરીસાગરે જણાવ્યું હતું કે, બાળકોને નિયત મેનુ મુજબ પોષણમૂલ્યને ધ્યાનમાં રાખી અલ્પાહાર આપવામાં આવે છે. ઘઉં અને પ્રોટીન આધારિત વાનગીઓ, ચણા, શીંગ, મગ, સુખડી વગેરે ખોરાકથી બાળકોને જરૂરી ઊર્જા અને પોષક તત્વો મળે છે. પરિણામે બાળકો શાળાના અભ્યાસ દરમિયાન વધુ સક્રિય અને ચેતન રહે છે અને તેમનામાં કૂપોષણ પણ દૂર થાય છે.

જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની કચેરીના અહેવાલ મુજબ જિલ્લામાં પી.એમ. પોષણ યોજના અંતર્ગતની મુખ્યમંત્રીશ્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના હેઠળ ૭૬૬ શાળાના ૭૬૯ કેન્દ્રો પર કુલ ૧,૨૩,૭૩૦ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જે પૈકી ૮૮,૨૮૭ વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ પ્રાપ્ત કરી રહ્યા છે.

અમરેલી જિલ્લામાં યોજનાનો અમલ શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ શાળા સ્તરે મુખ્ય શિક્ષકો અને શાળા વ્યવસ્થાપન સમિતિઓ દ્વારા કરવામાં આવે છે. અલ્પાહારની ગુણવત્તા, સ્વચ્છતા અને નિયમિતતા જળવાઈ રહે તે માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. અલ્પાહાર તૈયાર થાય ત્યારે તેની ગુણવત્તા ચકાસવા માટેનું એક ચાખણા રજિસ્ટર નિભાવવામાં આવે છે, જેમાં પ્રતિદિન એક શિક્ષકની જવાબદારી રહે છે.  આ અંગે શાળઆના શિક્ષકશ્રી, ઈબ્રાહિમ ડેરૈયાએ જણાવ્યું હતું કે, સોમવારથી શનિવાર સુધી રોજ એક શિક્ષક અલ્પાહાર ચાખી તેની ગુણવત્તા ચકાસી અને રજિસ્ટરમાં એન્ટ્રી કરવામાં આવે છે.

મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અમરેલી જિલ્લાના બાળકો માટે માત્ર એક ખોરાક યોજના નહીં પરંતુ સ્વસ્થ અને સશક્ત ભવિષ્ય તરફનું મજબૂત પગલું છે. સ્વસ્થ બાળક જ સારો વિદ્યાર્થી બની શકે અને સારો વિદ્યાર્થી જ જિલ્લાનું અને રાજ્યનું ભવિષ્ય ઘડી શકે – આ ભાવનાને સાકાર કરતી આ યોજના અમરેલી જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે નવી આશા જગાવી રહી છે.

પૂર્વ વડાપ્રધાનશ્રી અટલબિહારી વાજપેયની જન્મ જયંતિને રાજ્ય સરકાર દ્વારા સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી તરીકે આરંભેલી વિકાસયાત્રા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશમાં “અટલ નેતૃત્વ થકી અવિરત વિકાસ” કરી રહી છે. 

Related Posts