અમરેલી

સાવરકુંડલા સ્વામિનારાયણ ગુરુકુળમાં ‘બાળ વિજ્ઞાન મેળો – ૨૦૨૬’ યોજાયો

​નવા વિચારોના યુગમાં એ સૂરજને પલકમાં પકડી લેશે,

આ નાના હાથો વિજ્ઞાનના અગોચર રહસ્યો ઉકેલી દેશે.

​શોધવા નીકળ્યા છે જે સત્ય કુદરતના ખૂણે-ખૂણે,

એ જ કાલે આ ધરતી પર અરુણું પ્રભાત લખી દેશે.

–“પાંધી સર” – –

 રહેલી સુષુપ્ત શક્તિઓને વાચા આપવા અને તેમનામાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવાના ઉમદા હેતુ સાથે સાવરકુંડલા સ્થિત શહેરમાં શિક્ષણ સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના ધામ સમા  શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પ્રાથમિક વિદ્યાલય દ્વારા ગત રોજ “બાળ વિજ્ઞાન મેળો – ૨૦૨૬” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં વિદ્યાર્થીઓએ પોતાની મૌલિકતા અને વૈજ્ઞાનિક સૂઝબૂઝનું સુંદર પ્રદર્શન કર્યું હતું.

​આ વિજ્ઞાન મેળામાં ધોરણ ૫ થી ૮ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રદર્શનમાં મુખ્યત્વે નીચે મુજબના વિષયો પર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ભૌતિક અને રસાયણ વિજ્ઞાનના જટિલ સિદ્ધાંતોને સમજાવતા સરળ મોડેલ્સ.

 પ્રદૂષણ મુક્ત પૃથ્વી અને ગ્લોબલ વોર્મિંગ અટકાવવા માટેના નવતર ઉપાયો.

 રોજીંદા જીવનમાં ઉપયોગી થાય તેવી નવી ટેકનોલોજી અને સંશોધનો.

​​કાર્યક્રમના પ્રારંભે સંસ્થાના વડા સ્વામી શ્રી ભગવતપ્રસાદ દાસજી, પ્રમુખ શ્રી હરિપ્રસાદ દાસજી તેમજ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અક્ષરમુક્ત દાસજીએ કાર્યક્રમને ખુલ્લો મૂકી ભવિષ્યના બાળ વૈજ્ઞાનિકોને ભારતનું નામ ઉજ્વળ કરે તેવા આશીર્વાદ પાઠવ્યા હતો. સંસ્થાના ડાયરેક્ટરશ્રી અને વિવિધ વિભાગના આચાર્યોએ દરેક સ્ટોલની મુલાકાત લઈ વિદ્યાર્થીઓના પ્રયાસોને બિરદાવ્યા હતા. પૂજ્ય સ્વામીશ્રીએ આશીર્વચન આપતા જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમોથી બાળકોમાં જિજ્ઞાસા વૃત્તિ વધે છે અને ભાવિ વૈજ્ઞાનિકો તૈયાર થાય છે.

​શિક્ષકગણના યોગ્ય માર્ગદર્શન અને વાલીઓના સહયોગથી આ મેળો અત્યંત સફળ રહ્યો હતો. મુલાકાતીઓએ બાળકોની રજૂઆત અને આત્મવિશ્વાસના ભારોભાર વખાણ કર્યા હતા. વિજ્ઞાન મેળાના અંતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Related Posts