રાષ્ટ્રીય

ચીને ભારતના રાફેલને બદનામ કરવા ષડયંત્ર રચ્યું હતું, અમેરિકાના રિપોર્ટમાં ખુલાસો

અમેરિકાએ ભારતના રાફેલ ફાઇટર જેટને બદનામ કરવાનો પ્રયાસ કરનાર ચીનની પોલ ખોલી છે. અમેરિકાના રિપોર્ટમાં કહેવાયું છે કે, ડ્રેગને પોતાના એરક્રાફ્ટ વેચવા માટે રાફેલને બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું હતું. વાસ્તવમાં 22 એપ્રિલ-2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલો થયો હતો, ત્યારબાદ ભારતે આક્રમક બનીને ઓપરેશન સિંદૂર હેઠળ આખા પાકિસ્તાને ડગમગાવી નાખ્યું હતું. આ દરમિયાન ચીને પાકિસ્તાનને તમામ પ્રકારની મદદ કરી હતી. એટલું જ નહીં તેણે રાફેલ અંગે ખોટી માહિતી પણ ફેલાવી હતી.ઓપરેશન સિંદૂર વખતે ચીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI)નો ઉપયોગ કરીને રાફેલના ટુકડા જગજાહેર કર્યા હતા. ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનને હચમચાવી નાખવા માટે રાફેલનો ઉપયોગ કર્યો હતો, જોકે ચીને એઆઇથી રાફેલના ટુકડાની તસવીર બનાવવાનું અને બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું હતું. જોકે ચીને રાફેલ અંગે ફેક માહિતી ફેલાવી હોવાનો અમેરિકાએ દાવો સામે આવ્યો છે.અમેરિકન કોંગ્રેસ દ્વારા રચવામાં આવેલી ‘અમેરિકા-ચીન આર્થિક અને સુરક્ષા સમીક્ષા આયોગ’ના રિપોર્ટમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે કે, ચીન વિશ્વભરને દેખાડવા માંગતો હતો કે, તેના J-10 વિમાનો, ફ્રાન્સની કંપનીએ બનાવેલા રાફેલ જેટ વિમાનો કરતાં વધુ સારા છે. ચીન આ ષડયંત્ર રચીને ઈન્ડોનેશિયા દ્વારા રાફેલ ખરીદવાના પ્રસ્તાવને અટકાવવામાં પણ સફળ થયો હતો.રિપોર્ટમાં એવો પણ દાવો કર્યો છે કે, ઓપરેશન સિંદૂર વખતે ભારતીય સેનાના ત્રણ વિમાનો તોડી પડાયા હોવાની કોઈ સત્તાવાર પુષ્ટિ સામે આવી નથી, પરંતુ અન્ય રિપોર્ટના હવાલાથી ત્રણ વિમાનો તોડી પડાયાની વાતો ફેલાવાઈ છે. ભારત-પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ થયાના એક સપ્તાહની અંદર ચીનના દૂતાવાસોએ ષડયંત્ર શરુ કરી દીધું હતું. દૂતાવાસોએ બંને દેશોના ઘર્ષણમાં ઉપયોગમાં લેવાયેલ ચીનની સંરક્ષણ સિસ્ટમનો જોરશોરથી પ્રચાર શરુ કરી દીધો હતો અને આવું તેઓએ પોતાના હથિયારોનું વેચાણ વધારવા માટે કર્યું હતું. રિપોર્ટ મુજબ, પાકિસ્તાને ભારત વિરુદ્ધ ચીનના હથિયારોનો ઉપયોગ કર્યો હતો, જેમાં ચીનના હથિયારોથી જ રાફેલ જેટ તૂટી ગયા હોવાનો દાવો કરાયો હતો. જોકે આ દાવો ખોટી માહિતી ફેલાવવાનું ષડયંત્ર હતું. વાસ્તવમાં ચીને પોતાના સંરક્ષણ હથિયારોનું વેચાણ વધારવા માટે રાફેલ તોડવાની બાબતને સેલિંગ પોઇન્ટ બનાવી હતી. ચીને એઆઇ અને વીડિયો ગેમનો ઉપયોગ કરીને રાફેલના કાટમાળની તસવીર બનાવી હતી અને સોશિયલ મીડિયા પર ખોટો પ્રચાર કરવાનો શરુ કરી દીધો હતો.

Related Posts