ચાઇનીઝ કાચવાળી (કાચ પાયેલી) દોરી-તુક્કલ ખરીદ-વેચાણ પ્રતિબંધિત
અમરેલી તા.૨૧ ડિસેમ્બર, ૨૦૨૪ (શનિવાર) અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દિલપીસિંહ ગોહિલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-૧૬૩ અંતર્ગત પ્રતિબંધાત્મક આદેશ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે.
અમરેલી જિલ્લામાં ચાઇનીઝ માંઝા, નાયલોન પ્લાસ્ટિક દોરી, ગ્લાસ કોટેડ નાઇલોન થ્રેડ (કાચ પાયેલી) તથા અન્ય હાનિકારક પદાર્થોથી કોટીંગ ધરાવતી હોય તેવી દોરી તેમજ પતંગ ચગાવવા માટે ઉપયોગમાં લેવાતા હાનિકારક પદાર્થોના વેચાણ, ખરીદી કે ઉપયોગ પ્રતિબંધિત છે.
જિલ્લામાં ચાઇનીઝ સ્કાય લેન્ટર્ન તુક્કલ, મીણના ચોસલા બળતણ તરીકે વપરાયા હોય, આગ ઉત્પન્ન કરે તેવા તુક્કલ, પતંગ ઉડાડવાના હેતુસર ધાતુના તાર કે મેગ્નેટિક ઓડિયો ટેપ કે તેવી હાનિકારક કોઇ વસ્તુઓની ખરીદી, વેચાણ, બક્ષિસ કે ભેટ તરીકે ઉપયોગ કરવી કે ઉડાડી શકશે નહિ. જિલ્લાના વેપારીઓ, વ્યક્તિ કે સંસ્થાઓએ આ બાબતે ધ્યાન રાખવાનું રહેશે.
વ્યક્તિને જાનનું જોખમ થાય તેવી રીતે જાહેરમાર્ગ-રસ્તા-ફૂટપાથ, ભયજનક ધાબા-અગાશી-છત પર પતંગ ઉડાડવા નહિ કે પતંગને પકડવા દોડવું નહીં.જનતાની લાગણી દુભાય તે પ્રકારના ઉશ્કેરણીજનક લખાણો પતંગ પર લખવા નહિ, આવું લખાણ હોય તો તેવા પતંગ ઉડાડવા નહીં. કપાયેલા પતંગ અને દોરાઓ મેળવવા માટે હાથમાં લાંબા ઝંડાઓ, વાંસના બાંબુઓ-પટ્ટીઓ, લોખંડ કે કોઈપણ ધાતુના તારનાં લંગર બનાવીને આમ-તેમ શેરીઓ, ગલીઓ જાહેર રસ્તાઓ પર દોડાદોડી કરવા પર તેમજ ટેલિફોન કે ઇલેક્ટ્રિકના તાર પર લોખંડ કે કોઈપણ ધાતુના તાર, લંગર નાખવા નહિ કે તારમાં ભરાઇ ગયા હોય તેવા પંતગ કે દોરીઓ કાઢવા પ્રયત્નો કરવા નહિ.
જાહેર માર્ગો પર ઘાસચારાનું વેચાણ કરવું નહિ. જાહેર રસ્તા પર ગાય-પશુઓને ઘાસચારો નાંખી ટ્રાફિક અવરોધવો નહિ. જનતાને ત્રાસ થાય તે રીતે ખૂબ મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડવા નહિ.આ હુકમ તા.૨૦ જાન્યુઆરી, ૨૦૨૫ સુધી અમલી રહેશે. હુકમનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ની જોગવાઈઓ હેઠળ કાનૂની કાર્યવાહી થશે, તે સજાપાત્ર થશે.
Recent Comments