અમરેલી

PSIની નોકરીના બદલે રમત માટેની પેશન પંસદ કરી, મહિલા દિવસ પર અમરેલી જિલ્લા રમતવિકાસ અધિકારીશ્રી પૂનમ બહેન ફુમકીયાની સફર મહિલાઓ માટે પ્રેરણાત્મક

 “મનગમતા ક્ષેત્રમાં મહેનત અને લગન હોય તો સફળતા ચોક્કસ મળે છે” — આ વિચારને સાકાર કરતી અમરેલી જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી પૂનમબહેન ફુમકિયાની જીવનયાત્રા અનેક યુવતીઓ માટે પ્રેરણારૂપ બની છે. રમતગમત પ્રત્યેનો ઉમંગ, કઠોર મહેનત અને પોતાના સપનાને સાકાર કરવાની અડગ ઇચ્છાશક્તિએ તેમને આજે એક સફળ રમત ક્ષેત્રનાં સફળ અધિકારી તરીકે સ્થાપિત કર્યા છે.

પૂનમ બહેને વર્ષ ૨૦૦૩માં નવમા ધોરણથી હોકીની રમત રમવાની શરૂઆત કરી હતી. શરૂઆતમાં માત્ર શાળાના વ્યાયામ શિક્ષકોની પ્રેરણાથી રમતમાં રસ લીધો હતો, પરંતુ સમય જતાં આ રસ જ તેમનું જીવનલક્ષ્ય બની ગયો. સતત મહેનત અને શ્રેષ્ઠ પ્રદર્શનના કારણે તેઓ રાજ્યની ટીમમાં પસંદ થયા અને સાત વખત નેશનલ ગેમ્સમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું.

રમતગમત પ્રત્યેના પોતાના સમર્પણને વધુ મજબૂત બનાવવા માટે તેમણે વર્ષ ૨૦૧૧-૧૨માં નેતાજી સુભાષચંદ્ર બોઝ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સમાંથી ડિપ્લોમા ઇન સ્પોર્ટ્સ કોચિંગ પૂર્ણ કર્યું. ત્યારબાદ વર્ષ ૨૦૧૩થી વડોદરા ખાતે હોકી કોચ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી.

જીવનમાં એક મહત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે વર્ષ ૨૦૧૬-૧૭માં તેમણે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષા પણ પાસ કરી. પરંતુ તેમનું સાચું પેશન રમતગમત જ હતું. પી.એસ.આઈ.ની તાલીમ દરમિયાન જ તેમને રમતગમત ક્ષેત્રે કાયમી નોકરી મળતા તેમણે નિડર નિર્ણય લીધો અને પોલીસની તાલીમ છોડી ફરીથી પોતાના મનગમતા ક્ષેત્ર રમતગમત તરફ વળ્યા.

આ અંગે તેઓ જણાવે છે કે, તેમના પરિવારમાં કોઈપણ પ્રકારનું સ્પોર્ટ્સ બેકગ્રાઉન્ડ નહોતું, છતાં શાળાના વ્યાયામ શિક્ષકો પાસેથી મળેલી પ્રેરણાએ તેમના જીવનની દિશા બદલી. તેમની મતે, પ્રેરણા, મહેનત અને લગન હોય તો કોઈપણ સપનું સાકાર થઈ શકે છે. છેલ્લા આઠ વર્ષથી તેઓ અમરેલી જિલ્લામાં હોકી કોચ, રમતગમત અધિકારી તેમજ જિલ્લા રમત વિકાસ અધિકારી તરીકે વિવિધ જવાબદારીઓ નિભાવી રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ અનેક યુવાનો અને યુવતીઓ રમતગમત ક્ષેત્રે આગળ વધી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે પૂનમ બહેન ફુમકિયાની આ સફર એવો સંદેશ આપે છે કે મહિલાઓ જો પોતાના સપનાઓ પર વિશ્વાસ રાખે તો તેઓ દરેક ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી શકે છે. તેમની સફળતા અમરેલી જિલ્લાના યુવાનો માટે તો પ્રેરણાસ્રોત છે જ, સાથે સાથે સમગ્ર સમાજ માટે ગૌરવની વાત છે. 

Related Posts