વર્ષ ૨૦૨૬ના પ્રથમ સૂર્યકિરણને રાજ્યના નાગરિકોએ સૂર્યનમસ્કાર અને ધ્યાન દ્વારા ભાવપૂર્ણ રીતે વધાવ્યું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ આયોજિત “નવા વર્ષના પ્રથમ સૂર્યકિરણને નમસ્કાર” કાર્યક્રમમાં અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યના અને દેશ-વિદેશમાંથી એક લાખથી વધુ નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શ્રી શીશપાલસિંહની વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી નાગરિકોને પ્રેરિત કર્યા હતા. અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદદ્વાજ સહિત જિલ્લાના નાગરિકોએ સૂર્ય નમસ્કાર દ્વારા પ્રથમ સૂર્યકિરણને વધાવ્યું હતું.
૦૧ જાન્યુઆરી, ૨૦૨૬ના પ્રથમ સૂર્યોદયને વધાવવા માટે યુવાનોએ યોગ અને સૂર્ય ઉપાસનાના માધ્યમથી નવા વર્ષનો મંગલ અને સંસ્કારસભર પ્રારંભ કર્યો હતો. આ અવસરે નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, “સૂર્યકિરણ સાથેની નવા વર્ષની તંદુરસ્ત શરૂઆત યુવાનોના સ્વાસ્થ્ય, સંયમિત જીવનશૈલી અને પ્રગતિ માટે આશીર્વાદરૂપ બનશે.”
અમરેલી ખાતે પોતાના નિવાસ સ્થાનેથી જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજે પણ સૂર્ય નમસ્કારનો અભ્યાસ કર્યો હતો. રાજ્યમાં ચાલી રહેલા યોગ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લામાંથી કુલ ૩,૪૮૯ નોંધણી થઈ હતી. આ સિદ્ધિ જિલ્લાના યોગ ટ્રેનરો, સંક્લનકર્તાઓ તથા યોગપ્રેમી નાગરિકોના સંયુક્ત અને નિષ્ઠાવાન પ્રયત્નોનું પરિણામ છે.
શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં યોગ પ્રત્યે વધતી જાગૃતિ અને સક્રિય જનસહભાગિતા અમરેલી જિલ્લાના સકારાત્મક આરોગ્ય અભિગમને પ્રતિબિંબિત કરે છે. રાજ્યના અનેક મોટા જિલ્લાઓની સરખામણીએ અમરેલી જિલ્લાનો નોંધણી દર પ્રશંસનીય રહ્યો છે. આ ભાગીદારી “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાનને વધુ મજબૂતી આપે છે તેમ અમરેલી જિલ્લા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કો-ઓર્ડિનેટરશ્રી એ એક યાદીમાં જણાવ્યું છે.


















Recent Comments