સાવરકુંડલા નગરપાલિકા અત્યારે લોકપ્રશ્નોના ઉકેલ માટે સજ્જ હોવાનો વધુ એક પુરાવો ગત રાત્રિએ જોવા મળ્યો હતો. શહેરના જૈન બોર્ડિંગથી લઈને ભાવના સોસાયટી સુધીના મુખ્ય માર્ગ પર અચાનક સ્ટ્રીટ લાઈટો ગુલ થઈ જતા અંધારપટ છવાઈ ગયો હતો, જેનો નગરપાલિકાની ટીમે ગણતરીની મિનિટોમાં ઉકેલ લાવી પ્રશંસનીય કામગીરી કરી છે.રાત્રિના સમયે જૈન બોર્ડિંગથી ભાવના સોસાયટી વિસ્તારની સ્ટ્રીટ લાઈટો અચાનક બંધ થઈ ગઈ હતી. આ અંગેની જાણ થતા જ નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદીએ તાત્કાલિક એક્શન લીધા હતા. તેમણે તુરંત સ્ટ્રીટ લાઈટ વિભાગના ભોળાભાઈ રબારી અને તેમની ટીમને સૂચના આપી હતી.
પ્રમુખશ્રીની સૂચના મળતા જ ભોળાભાઈ રબારી અને તેમની ટેકનિકલ ટીમ માત્ર ૭ જ મિનિટના ટૂંકા ગાળામાં સ્થળ પર પહોંચી ગઈ હતી. રાત્રિના સમયે પણ કોઈપણ વિલંબ વગર ટીમ દ્વારા તાત્કાલિક ફોલ્ટ શોધી કાઢવામાં આવ્યો હતો અને યુદ્ધના ધોરણે કામગીરી કરી સ્ટ્રીટ લાઈટો પુનઃ શરૂ કરી દેવામાં આવી હતી.
ભાવના સોસાયટીના રહીશો દ્વારા નગરપાલિકાની આ ત્વરિત અને કાર્યક્ષમ કામગીરીને મુક્ત કંઠે બિરદાવવામાં આવી હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, “સામાન્ય રીતે આવી ફરિયાદોમાં સમય લાગતો હોય છે, પરંતુ પ્રમુખશ્રીની સતર્કતા અને કર્મચારીઓની નિષ્ઠાને કારણે ખૂબ જ ઝડપથી અંધારું દૂર થયું છે.”ભાવના સોસાયટીના રહીશોએ આ બદલ પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ભોળાભાઈ રબારી અને સમગ્ર નગરપાલિકા સ્ટાફને શુભેચ્છાઓ પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો. જો આવી રીતે તમામ ક્ષેત્રના કર્મચારીઓ ક્વીક રીસ્પોન્સના સૂત્રને આત્મસાત કરીને કામગીરી કરે તો સાવરકુંડલા શહેરને સુવર્ણ કુંડલામાં પરિવર્તિત થવાના સંજોગો ખરેખર ઉજળા બને એમાં કોઈ શંકા ને કોઈ સ્થાન નથી. ગુડ ગવર્નન્સ એ જ આનું નામ જ્યાં અધિકારી પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને સોંપેલી કોઈ પણ કામગીરીને પૂર્ણ આત્મસંતોષ સાથે લોકોના હિત માટે સદૈવ સતર્ક રહે.



















Recent Comments