ગુજરાત

દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ખોટી અફવાઓ અને પ્રચારથી આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવે: સાંસદ ધવલ પટેલ

સાંસદ ધવલ પટેલે પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને લઈને પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ સ્થગિત કરાયો છે. દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ખોટી અફવાઓ અને પ્રચારથી આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવે છે.
સાંસદ ધવલ પટેલે આદિવાસી સમાજને અપીલ કરી કે કોંગ્રેસના ખોટા પ્રચારથી દૂર રહો.ભાજપ સરકાર આદિવાસીઓના હિતોનું રક્ષણ કરવા અને દક્ષિણ ગુજરાતના વિકાસ માટે સતત કાર્યરત છે. અમે આદિવાસી સમાજની સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રતિબદ્ધ છીએ. તેમણે કોંગ્રેસને ચેતવણી આપતા કહ્યું કે, આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો અને વાસ્તવિક મુદ્દાઓ પર ધ્યાન આપો.ભાજપ આદિવાસી સમાજની સાથે ઊભી છે અને તેમના હિતોની રક્ષા માટે કટિબદ્ધ છે.
સાથેજ સાંસદ ધવલ પટેલે કહ્યું હતું કે, આ પ્રોજેક્ટ આગળ વધશે નહીં પરંતુ કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરીને ખોટી અફવાઓ ફેલાવી રહી છે.આ તેમનો રાજકીય રોટલો શેકવાનો પ્રયાસ છે જેનો હું સખત વિરોધ કરું છું.તેમણે વધુમાં કહ્યું, “કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત સર્કિટ હાઉસ ખાતે જાહેરાત કરી હતી કે આદિવાસીઓની લાગણીઓને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ પડતો મૂકવામાં આવ્યો છે.છતાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ શ્વેત પત્રની માંગ કરીને બિનજરૂરી વિવાદ ઊભો કરી રહ્યા છે.કોંગ્રેસ પાસે વિકાસનો કોઈ એજન્ડા નથી તેથી તેઓ આવી રીતે આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
તેમજ આ બાબતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલે સ્પષ્ટ કર્યું છે કે, આ પ્રોજેક્ટ આદિવાસીઓની લાગણીઓને ધ્યાનમાં રાખીને સ્થગિત કરવામાં આવ્યો છે અને લોકસભામાં તેનો કોઈ ડીપીઆર રજૂ થયો નથી.છતાં કોંગ્રેસ દ્વારા ૧૪ ઓગસ્ટે ધરમપુરમાં આંદોલનની તૈયારી કરવામાં આવી રહી છે.જેનો સાંસદ ધવલ પટેલે પત્રકાર પરિષદમાં ખુલાસો કરીને જાેરદાર વિરોધ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ આદિવાસીઓની અસ્મિતા બચાવવાના નામે પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવવા માટે આદિવાસી સમાજનો દુરુપયોગ કરી રહી છે.

Related Posts