રાષ્ટ્રીય

સિદ્ધારમૈયા અને શિવકુમારની લડાઈમાં કોંગ્રેસનું જ નુકસાન! CMની ખુરશીની ખેંચતાણ મઠ સુધી પહોંચી

કર્ણાટકમાં મુખ્યમંત્રીની ખુરશીને લઈને કોંગ્રેસના નેતાઓમાં અંદરોઅંદર જ ખેંચતાણ વધી ગઈ છે. સિદ્ધારમૈયાને બદલે ડી કે શિવકુમારને મુખ્યમંત્રી બનાવવા માટે માંગ તેજ બની છે. સૌ કોઈની નજર હવે કોંગ્રેસ હાઇકમાન્ડ પર છે. એવામાં હવે રાજકીય ઘટનાક્રમમાં મઠની પણ એન્ટ્રી થઈ ગઈ છે. કર્ણાટકના વોક્કાલિંગા સમાજ સાથે જોડાયેલા આદિચુંચનગિરિ મઠની એન્ટ્રી થઈ ગઈ છે. આદિચુંચનગિરિ મઠના પ્રમુખ નિર્મલાનંદનાથ સ્વામીએ ખુલીને ડી કે શિવકુમારનું સમર્થન કર્યું છે અને કોંગ્રેસને અલ્ટિમેટમ પણ આપ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે હું તો પહેલા પણ શિવકુમારને જ મુખ્યમંત્રી તરીકે જોવા માંગતો હતો. તમામ સંકેતો છતાં શિવકુમારે કોંગ્રેસનો સાથ છોડ્યો નથી ત્યારે હવે તેમને મોકો આપવો જોઈએ. નોંધનીય છે કે કર્ણાટકના રાજકારણમાં મઠ અને મઠાધિશોનું વર્ચસ્વ રહ્યું છે. ચૂંટણીમાં પણ વિવિધ મઠ દ્વારા તેમના સમુદાય સાથે જોડાયેલા નેતાઓનું પ્રત્યક્ષ અથવા પરોક્ષ રૂપે સમર્થન કરવામાં આવે છે. બીજી તરફ સિદ્ધારમૈયા માટે ઓબીસી અને દલિત નેતાઓ જૂથ બનાવી રહ્યા છે. એવામાં રાજકીય પંડિતોનું માનવું છે કે આ બે નેતાઓની લડાઈમાં નુકસાન કોંગ્રેસનું જ થશે. રાજયમાં કોંગ્રેસ સરકારના શાસનને અઢી વર્ષ પૂર્ણ થયા છે. કર્ણાટકના રાજકીય વર્તુળોમાં એવી વાતો થઈ રહી છે કે અહીં કોંગ્રેસ જીત પછી એવું નક્કી કરાયું હતું કે સિદ્ધારમૈયા અને ડી કે શિવકુમારને અઢી અઢી વર્ષ માટે મુખ્યમંત્રી બનાવવામાં આવશે. જોકે આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નહોતી. 

ડી કે શિવકુમારના સમર્થક ધારાસભ્યો દિલ્હી પહોંચી ગયા છે અને હાઇકમાન્ડને મળવાની માંગ કરી રહ્યા છે. બીજી તરફ સિદ્ધારમૈયાએ કહ્યું છે કે ધારાસભ્યો દિલ્હી જાય તેમાં મને કોઈ વાંધો નથી. છેલ્લો નિર્ણય તો હાઇકમાન્ડ જ લેશે. 

Related Posts