રાષ્ટ્રીય

કોંગ્રેસ રાજ ઠાકરેની પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે, વરિષ્ઠ નેતાઓની બેઠકમાં લેવાયો નિર્ણય

મહારાષ્ટ્ર કોંગ્રેસે બિહાર વિધાનસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે એક મોટો રાજકીય નિર્ણય લીધો છે. તિલક ભવન ખાતે પ્રદેશ અધ્યક્ષ હર્ષવર્ધન સાપકાલની અધ્યક્ષતામાં વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાઈ હતી, જેમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) સાથે કોઈપણ પ્રકારનું ગઠબંધન ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટી એવા દળો સાથે ગઠબંધન કરવા માટે તૈયાર છે જે I.N.D.I.A. ગઠબંધનનો ભાગ છે, પરંતુ એમએનએસ સાથે કોઈપણ પ્રકારનું ગઠબંધન કરશે નહીં. આ નિર્ણયની જાણકારી ટૂંક સમયમાં જ દિલ્હી હાઈકમાન્ડને આપવામાં આવશે.કોંગ્રેસના નેતાઓનું માનવું છે કે, એમએનએસ જેવી પાર્ટી ખુલ્લેઆમ ઉત્તર ભારતીયો અને લઘુમતીઓ વિરુદ્ધ વલણ ધરાવે છે, તેની તેવી પાર્ટીઓ સાથે ગઠબંધન કરવું પાર્ટી માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને બિહારમાં ચૂંટણી માહોલને ધ્યાનમાં રાખીને આ નિર્ણય મહત્ત્વપૂર્ણ છે.તાજેતરમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ વોટની કથિત હેરાફેરી અને પારદર્શિતાના અભાવ જેવા મુદ્દાઓ પર સત્તાધારી પક્ષ અને ચૂંટણી પંચ સામે મહા વિકાસ આઘાડી (MVA) સાથે મળીને આક્રમક વલણ અપનાવ્યું હતું, તેમ છતાં કોંગ્રેસે એમએનએસથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડીમાં કોંગ્રેસ ઉપરાંત ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટી અને શરદ પવારની NCPSP સામેલ છે.છેલ્લા કેટલાક દિવસોમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે નજીક આવ્યા હોવાની અહેવાલો સામે આવ્યા બાદ રાજ્યના રાજકારણમાં ખળભળાટ અને ચર્ચાઓ ચાલી રહી છે. સૂત્રોનું માનીએ તો, ઉદ્ધવ ઠાકરેની પાર્ટી આગામી BMC ચૂંટણીઓમાં રાજ ઠાકરે સાથે ગઠબંધન કરી શકે છે.

Related Posts