અમદાવાદમાં નવનિયુક્ત કર્મચારીઓમાં ૫૦ મહિલા, ૬ દિવ્યાંગ સહિત ૨૯૬ જેટલા યુવાઓને નિમણૂંક પત્ર એનાયત કરાયા
શનિવારે સમગ્ર દેશમાં ૪૭ સ્થળોએ આયોજિત ૧૫માં રોજગાર મેળામાં ૫૧ હજારથી વધુ યુવાઓને નિમણૂંક પત્ર આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુલી સંબોધન કર્યું હતું. જ્યારે અમદાવાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ કેન્દ્રીય રાજ્યમંત્રી, શ્રીમતી નિમુબેન બાંભણિયાએ ૨૯૬ જેટલા નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂંક પત્ર એનાયત કર્યા હતા.
આ પ્રસંગે સંબોધન કરતા રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૨ ઓક્ટોબર, ૨૦૨૨માં શરૂ કરેલી આ રોજગાર મેળાની પહેલનો આજે ૧૫મો મણકો છે. રોજગારનું સર્જન કરવાની પ્રધાનમંત્રીજીની સંકલ્પનાને સાકાર કરવાની દિશામાં આ મહત્વનું પગલું છે. તેમણે કહ્યું હતું કે, મોદીજી ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યાનાં ૦૯ મહિનાની અંદર આ ત્રીજાે રોજગાર મેળો છે. જેનો અર્થ એવો છે કે સરકાર યુવાઓને સતત રોજગારીની તકો આપી રહી છે.
૧૫માં રોજગાર મેળા દ્વારા આ યુવાઓને દેશભરની વિવિધ કેન્દ્રીય કચેરીઓમાં કામ કરવાની તક મળવાની છે. આપણે દેશભરનાં હજારો યુવાઓના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યા છીએ. આજનો દિવસ અહીં ઉપસ્થિત દરેક યુવા અને તેમના પરિવાર માટે ખાસ દિવસ હોવાનું જણાવી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અહીં નિમણૂંક પત્ર મેળવનારા યુવાઓ માટે ૨૧મી સદીના ભારતની આકાંક્ષાઓ વધુ છે. તેમને પોતાની ફરજાે પૂરી નિષ્ઠાથી, પ્રમાણિકતાથી અદા કરવા અને દેશને વિશ્વની ૩જી અર્થવ્યવસ્થા બનાવવાના લક્ષ્યમાં મજબૂત રીતે સમર્થન આપવાની સાથે જ શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપવાની સલાહ આપી હતી.
અમદાવાદમાં આયોજિત આ રોજગાર મેળા દરમિયાન ૨૯૬ જેટલા યુવાઓમાં ૫૦ મહિલા, ૦૬ દિવ્યાંગજનને નિમણૂંક પત્ર આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સમાજનાં તમામ વર્ગને સમાન તક આપવા માટે સરકાર પ્રતિબદ્ધ છે.
આ મેળા દરમિયાન આયકર વિભાગ, રેલવે, ટેલિકોમ વિભાગ, શ્રમ વિભાગ, પોસ્ટ વિભાગ, જાહેર બેંક, ઈપીએફઓ, ઉચ્ચ શિક્ષણ, કોસ્ટગાર્ડ અને એનસીસી જેવા વિવિધ વિભાગો માટેનાં નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં પહલગામની આતંકવાદી ઘટનાનાં ભોગ બનેલા પર્યટકો માટે મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મેયર પ્રતિભા જૈન, સાંસદ નરહરિ અમીન, દિનેશ મકવાણા, હસમુખ પટેલ, ધારાસભ્યો દર્શનાબેન વાઘેલા, કૌશિક જૈન, દિનેશ કુશવાહા, બાબુ સિંહ જાદવ, અમિત ઠાકર તેમજ આયકર વિભાગના અપર્ણા અગ્રવાલ, સુનિલ કુમાર સિંહ સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
Recent Comments