ગુજરાત

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના દરિયાઓમાં કરંટ જાેવા મળ્યો, જાફરાબાદ બંદરે ૧ નંબરનું સિગ્નલ

આવનારા ૭૨ કલાક માટે હવામાન વિભાગની આગાહી અનુસંધાને સમગ્ર રાજ્યમાં તંત્રને સાબદું રહેવા માટેની સરકાર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. જૂનાગઢ જિલ્લા કલેકટર દ્વારા તમામ વિભાગના અધિકારીઓ સાથે વાવાઝોડાને ધ્યાને રાખી અનેક આયોજન કરવામાં આવ્યા છે. સૌથી પહેલાં દરિયામાં ફિશિંગ માટે ગયેલા તમામ માછીમારોને તાત્કાલિક પરત બોલાવવા માટેની સૂચના આપવામાં આવી હતી, તે અનુસંધાને માંગરોળ બંદર પર ગત રાતથી જ બોટ પરત આવવાની શરૂઆત થઈ ગઈ હતી. આજે સાંજ સુધીમાં બે હજાર જેટલી બોટ બંદર પર લંગારી દેવામાં આવી છે. માછીમાર સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે ગત માર્ચ મહિનાથી જ માછીમારીના ધંધામાં ખૂબ જ મંદી ચાલતી હોવાથી મોટાભાગની બોટ બંદર પર જ હતી, ફિશિંગ માટે ગઈ ન હતી. અમુક બોટ ફિશિંગ માટે ગઈ હતી તે પરત આવી ગઈ છે. હવે માત્ર બે બોટ છે તે લાંબા અંતર પર ફિશિંગ માટે ગઈ છે તેને પણ તાત્કાલિક પરત આવવા માટેની સૂચના આપી દેવામાં આવતા તે બોટ આજે રાતે અથવા આવતીકાલે સવાર સુધીમાં બંદર પર પરત આવી જશે.
જુનાગઢ જિલ્લાના માંગરોળ બંદર પર જે બોટ આવી ગઈ છે તેને દરિયા માંથી બહાર કાઢવાની પણ પૂરજાેશમાં સવારથી જ કામગીરી શરૂ કરવામાં આવી હતી. મોટાભાગની બોટને નુકસાન ન થાય તે માટે દરિયામાંથી બહાર કાઢી લેવામાં આવી છે. હાલ જે બોટ કાંઠા પર છે તેને સલામત રીતે નુકસાન ન થાય તેમ રાખવામાં આવી હોવાનું માછીમારોએ જણાવ્યું હતું.
ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં વહેલી સવારથી જ ભારે વરસાદનું વાતાવરણ જાેવા મળ્યું છે. વાતાવરણમાં પલટાના કારણે સૌરાષ્ટ્રના દરિયાઓમાં કરંટ જાેવા મળ્યો હતો. જેના કારણે સાવચેતીના ભાગરૂપે જાફરાબાદ બંદર પર ૧ નંબરનું સિગ્નલ મૂકવામાં આવ્યું છે. આ સિવાય અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે અનેક નુકસાનના પણ સમાચાર સામે આવ્યા છે.
અરબી સમુદ્રમાં હાલ વૉલમાર્ક લો-પ્રેશર સક્રિય થવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. જેમાં આગામી ૨૪ કલાકમાં આ સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થાય એવી શક્યતા છે. જાેકે, સૌરાષ્ટ્ર સિવાય દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ જાેવા મળ્યો હતો. દરિયામાં ડિપ્રેસરના કારણે ભારે પવન સાથે વરસાદની આગાહી છે. એવામાં અમરેલીના જાફરાબાદ બંદર પર દરિયામાં આજથી કરંટ શરૂ થયો હતો. જેના કારણે જાફરાબાદ બંદર પર ૧ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
ગીર-સોમનાથ વેરાવળના દરિયામાં પણ ભારે કરંટ જાેવા મળ્યો હતો. જાેકે, સૌરાષ્ટ્ર સિવાય સુરતમાં પણ દરિયામાં ભારે કરંટ જાેવા મળ્યો છે. વાતાવરણના પલટાના કારણે સુરતના દરિયામાં ત્રણ ફૂટ ઊંચા મોજા ઉછળતા જાેવા મળ્યા હતાં.વાતાવરણમાં પલટાના કારણે દરિયો તોફાની બની શકે તેવી શક્યતા છે. એવામાં માછીમારોને આવતી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. હાલ, દરિયો ખેડવા ગયેલી મોટાભાગની બોટ જાફરાબાદ બંદર પર પહોંચી રહી છે.
નોંધનીય છે કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારમાં વહેલી સવારથી જ ભારે વરસાદ જાેવા મળી રહ્યો છે. અમરેલીમાં મોડી રાતથી શરૂ થયેલાં વરસાદના કારણે નદી-નાળાઓ છલકાઈ ગયા હતા, તેમજ વીજપોલ ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી હતી. આ સિવાય વલસાડના કપરાડામાં ભારે પવનના કારણે મકાનોના પતરા ઉડી ગયા હતાં.

Related Posts