આજના ડિજિટલ યુગમાં વધતા જતા સાયબર ગુનાઓને રોકવા લોકોએ સાયબર છેતરપિંડીથી બચવા માટે અને પ્રજાજનોમાં જાગૃતિ લાવવાના શુધ્ધ આશય સાથે અમરેલી જિલ્લા પોલીસ અને ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે એક સરાહનીય પહેલ કરવામાં આવી છે. અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સાહેબ તેમજ ડી.વાય.એસ.પી. ગોરડિયા મેડમના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા શહેરના વેપારીઓ અને પ્રજાજનો માટે ‘સાયબર અવેરનેસ’ કાર્યક્રમનું આયોજન અહીં સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પ્રાર્થના હોલ ખાતે કરવામાં આવ્યું હતું.આ તકે અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી રાજુભાઈ શીંગાળા દ્વારા ઉપસ્થિત ડી.વાય.એસ.પી. ગોરડિયા મેડમનું પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાવરકુંડલા ટાઉન પોલીસ મથકના પી.આઈ. કુંગાસીયા સાહેબ તેમજ રૂરલ પીઆઈ ચૌધરી સાહેબ સહિત ટાઉન પોલીસનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહેલ.
સેમિનારના મુખ્ય વક્તા તરીકે અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ મથકના પી.આઈ.શ્રી જે. એમ. કડછા સાહેબ તથા ડી.વાય.એસ.પી. ગોરડિયા મેડમે વેપારીઓને વર્તમાન સમયમાં થતી ઓનલાઈન છેતરપિંડી વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે
કોઈપણ અજાણી લિંક પર ક્લિક ન કરવું.
ઓટીપી (OTP) કે બેંકની વિગતો કોઈની પણ સાથે શેર ન કરવી.
નાણાકીય વ્યવહાર કરતી વખતે કઈ તકેદારી રાખવી.
સાયબર ફ્રોડનો ભોગ બન્યા બાદ તાત્કાલિક ક્યાં ફરિયાદ કરવી.
આ સેમિનારમાં મોટી સંખ્યામાં શહેરના વેપારીઓ જોડાયા હતા. પોલીસ અધિકારીઓએ ખૂબ જ સરળ ભાષામાં પ્રાયોગિક ઉદાહરણો આપીને સાયબર સુરક્ષા માટે કેવી રીતે સજાગ રહેવું તે સમજાવ્યું હતું. સાવરકુંડલા પોલીસના આ પ્રયાસને વેપારી મહામંડળ અને સ્થાનિકોએ બિરદાવ્યો હતો.


















Recent Comments