રાષ્ટ્રીય

મેલીસા વાવાઝોડું: 174 વર્ષ બાદ આટલો શક્તિશાળી ચક્રવાત, 280 કિમીની ઝડપ, 6 લાખ લોકોનું સ્થળાંતર

કેરેબિયન ક્ષેત્રમાં ભયાનક વાવાઝોડું ‘મેલીસા’ ત્રાટકવાની તૈયારમાં છે. છેલ્લા 174 વર્ષોમાં સૌથી ખતરનાક ગણાતું આ વાવાઝોડું મંગળવારે (28મી ઓક્ટોબર) જમૈકાના કિનારા પર ત્રાટકશે. આ વાવાઝોડું દક્ષિણ દિશામાંથી જમૈકાને પાર કરીને ઉત્તર તરફ આગળ વધશે.હાલમાં મેલીસા વાવાઝોડું કિંગ્સ્ટનથી લગભગ 150 માઈલ દૂર છે અને 280 કિલોમીટર પ્રતિ કલાકની ભયાનક ઝડપે પવન સાથે આગળ વધી રહ્યું છે. જમૈકાના વડાપ્રધાન એન્ડ્રુ હોલનેસે દેશવાસીઓને સૂચના આપી છે કે, ‘કોઈ પણ ઇમારત તેના બળનો સામનો કરી શકશે નહીં. હવે ફક્ત તે ઝડપથી પસાર થાય તેની રાહ જોવાનું બાકી છે.’વાવાઝોડાના આગમન પહેલાં જ જમૈકામાં નુકસાનના અહેવાલો મળવાનું શરૂ થઈ ગયું છે. દેશના વિવિધ ભાગોમાં ભૂસ્ખલન, ઝાડ પડી જવા અને વીજળી ગુલ થવાના બનાવો નોંધાયા છે. દક્ષિણ વિસ્તારમાં 13 ફૂટ ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે, જેના કારણે દરિયાકાંઠાની હોસ્પિટલો જોખમમાં મુકાઈ શકે છે. સુરક્ષાના ભાગરૂપે દર્દીઓને હોસ્પિટલના ઉપરના માળે ખસેડવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, અત્યાર સુધીમાં આ વાવાઝોડાને કારણે કેરેબિયન ક્ષેત્રમાં સાત લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જમૈકામાં ત્રણ, હૈતીમાં ત્રણ અને ડોમિનિકન રિપબ્લિકમાં એક વ્યક્તિ હજી પણ ગુમ છે.સરકાર દ્વારા સ્થળાંતરના આદેશો આપવામાં આવ્યા હોવા છતાં, ઘણાં લોકો તેમના ઘરો અને માલમિલકત ગુમાવવાના ડરથી ઘરની અંદર જ રહેવાનું પસંદ કરી રહ્યા છે. એક ફેડરલ મંત્રીએ લોકોને સ્વચ્છ પાણી બચાવવા માટે વિનંતી કરી છે, કારણ કે વાવાઝોડા બાદ પાણીની તીવ્ર અછત સર્જાઈ શકે છે.

જમૈકાને અસર કર્યા બાદ વાવાઝોડું મેલીસા મંગળવારે (28મી ઓક્ટોબર) મોડી રાતે પૂર્વી ક્યુબામાં ત્રાટકશે. ક્યુબામાં 600,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે, જ્યાં 20 ઇંચ સુધી વરસાદ પડવાની આગાહી છે. ત્યારબાદ આ વાવાઝોડું બહામાસ તરફ આગળ વધશે. હાલમાં હૈતી અને ડોમિનિકન રિપબ્લિકમાં પણ ભારે વરસાદ ચાલુ છે.

Related Posts