અમરેલી

સાવરકુંડલાના આઝાદ ચોકમાં અકસ્માતનો મરણતોલ ભય: તંત્રની ઉદાસીનતા સામે સોહીલ શેખનો ભારે રોષ

સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર ૭ માં આવેલા વ્યસ્ત આઝાદ ચોક વિસ્તારમાં હાલ અકસ્માતનો ગંભીર ભય સેવાઈ રહ્યો છે. આ ચોક એક મુખ્ય જંકશન હોવા છતાં તંત્ર દ્વારા સુરક્ષાના વિકલ્પના અભાવે સ્થાનિક રહીશો અને રાહદારીઓના જીવ જોખમમાં મુકાયા છે.

​આઝાદ ચોક એવો વિસ્તાર છે જ્યાં પાંચ મુખ્ય રસ્તાઓ એકસાથે મળે છે. અહીં શાળા (સ્કૂલ) અને જમાતખાનું જેવા જાહેર તેમજ ધાર્મિક સ્થળો આવેલા હોવાથી નાના બાળકો, વિદ્યાર્થીઓ અને વડીલોની દિવસ-રાત સતત અવરજવર રહે છે. પાંચ રસ્તાઓ ભેગા થતા હોવાથી વાહનચાલકો ઘણીવાર અસમંજસમાં રહે છે, જેને કારણે અહીં અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે.

​સ્થાનિક જાગૃત નાગરિક સોહીલભાઈ શેખ દ્વારા આ ગંભીર સમસ્યા અંગે નગરપાલિકા કચેરીમાં અનેકવાર મૌખિક તેમજ ટેલિફોનિક રજૂઆતો કરવામાં આવી છે. એટલું જ નહીં, સોહીલભાઈએ આ બાબતે વ્યક્તિગત રીતે નગરપાલિકા પ્રમુખ તેમજ માનનીય ધારાસભ્યશ્રીને પણ ટેલિફોનિક જાણ કરી તાત્કાલિક સ્પીડ બ્રેકર (બમ્પ) બનાવવાની માંગણી કરી છે. આમ છતાં, સત્તાધીશો દ્વારા હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.

​”શું તંત્ર કોઈ મોટી હોનારત કે જાનહાનિ થાય તેની રાહ જોઈ રહ્યું છે? વારંવારની રજૂઆત છતાં સ્પીડ બ્રેકર ન બનાવીને તંત્ર લોકોના જીવ સાથે રમત રમી રહ્યું છે.” – સોહીલ શેખ (સ્થાનિક રહીશ)

​ઉગ્ર આંદોલનની ચીમકી

​તંત્રની આ ઘોર ઉદાસીનતા સામે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોહીલ શેખે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી છે કે, જો વહેલી તકે આઝાદ ચોકના પાંચેય માર્ગો પર વૈજ્ઞાનિક ઢબે સ્પીડ બ્રેકર મૂકવામાં નહીં આવે, તો આગામી સમયમાં રહીશોને સાથે રાખીને પાલિકા તંત્ર સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

​હવે જોવાનું એ રહે છે કે ઊંઘતું તંત્ર જાગશે ખરું? કે પછી કોઈ દુર્ઘટના ઘટ્યા બાદ જ જાગશે?

Related Posts