· બજેટ વિકસિત ગુજરાતનો દસ્તાવેજ નથી પણ બજેટ દેવા અને દેખાવનો દસ્તાવેજ : અમિત ચાવડા
· ગુજરાતની પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાથી બનેલા બજેટમાં પ્રજાની આશા અપેક્ષા ઠગારી નીવડી,ભાજપ સરકારે યુવાનોના સપના સાથે મજાક કરી : અમિત ચાવડા
· બજેટમાં ખેડૂતના દેવા માફ ન થયા, સમાન કામ સમાન વેતન માટે, મોંઘવારી ઘટાડવા માટે, સરકારી પદો ઉપર કાયમી ભરતી માટે, વસ્તીના પ્રમાણમાં બજેટ ફાળવણી માટે, પાક વીમા યોજના માટે, કોઈ જ ઉલ્લેખ કે જોગવાઈ નહિ : અમિત ચાવડા
· દેશમાં ૧૨ કરતા વધારે રાજ્યોમાં મહિલાઓ માટે લાડલી બહેન યોજનામાં બહેનોને પૈસા આપવામાં આવે છે તો ગુજરાતની જ આપણી બહેનો સાથે સરકારનું ઓરમાયું વર્તન કેમ? ગુજરાતની બહેનો જ કેમ અળખામણી? : અમિત ચાવડા
વિધાનસભામાં અંદાજ પત્ર પર ચર્ચા દરમિયા શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, બેજટ આંકડાઓની માયાજાળ છે. ભાજપ સરકારના શાસનમાં કુલ બજેટ કરતા દેવું વધારે છે. ગુજરાત માથે ૪ લાખ ૩૦ હજાર કરોડનું દેવું છે. આ બજેટ ગુજરાતની પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાથી બન્યું છે ત્યારે આ બજેટે જનતાની આશા અપેક્ષા ઠગારી નીવડી છે. ભાજપ સરકારે યુવાનોના સપના સાથે મજાક કરી હોય તેવી જાહેરાતો બજેટમાં કરવામાં આવી છે. બજેટની ચોપડીમાં જ્ઞાનની વ્યાખ્યા કરવામાં આવી છે. જ્ઞાન સામે વાસ્તવિકતા જોઇએ તો બજેટમાં ગરીબો માટે આશા નથી, યવાઓ માટે દિશા નથી, અન્નદાતાઓ માટે ન્યાય નથી અને મહિલાઓ માટે સુરક્ષાની પણ કોઈ વાત નથી.
ગુજરાતના ખેડૂતો કુદરતી આફતો, કમોસમી વરસાદ અને બજાર ભાવના અભાવે હેરાન-પરેશાન છે. અનેક ખેડૂત આર્થિક સંકટમાં ડૂબેલા છે, આત્મહત્યાની ઘટનાઓ બનતી રહી છે, છતાં ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની સરકારે એક પણ જાહેરાત બજેટમાં કરવામાં આવી નથી. પાક વીમા યોજના રાજ્ય સરકાર દ્વારા અમલમાં લાવવાની માંગ વારંવાર ઉઠી છે, છતાં બજેટમાં એ મુદ્દે મૌન ધારણ કરવામાં આવ્યું છે. મહિલાઓ માટે મોંઘવારીમાંથી રાહતની કોઈ જાહેરાત નથી. મહિલા અને બાળ વિકાસ માટેનો વધારો પણ નગણ્ય છે, જે મહિલાઓની અપેક્ષાઓ પર પાણી ફેરવે છે. યુવાનો અને કામદારો માટે પણ આ બજેટ નિરાશાજનક છે. મનરેગા કામદારોના વેતન વધારો, અસંગઠિત ક્ષેત્રના લઘુત્તમ વેતનમાં સુધારો કે ફિક્સ-પે અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આશા વર્કર, આંગણવાડી બહેનો, મધ્યાહન ભોજનના કર્મચારીઓ લાંબા સમયથી સમાન કામ-સમાન વેતનની માંગ કરી રહ્યા છે, પરંતુ તેમની આશાઓને ફરી એકવાર અવગણવામાં આવી છે. ઓલ્ડ પેન્શન સ્કીમ (OPS)ની માંગ પર પણ સરકાર મૌન છે.
મોંઘવારીનો માર સહન કરતી ગુજરાતની ગૃહિણીઓને આજુબાજુના રાજ્યોની જેમ રૂ.૫૦૦માં ગેસની બોટલ મળશે તેવી અપેક્ષા હતી. પરંતુ ૧૫૬ સીટ જીતાડીને ભાજપ સરકાર મોઘવારીમાંથી રાહત આપશે, રૂ.૫૦૦માં ગેસની બોટલ આપશે પણ બજેટમાં કોઈ રાહત આપવામાં ન આવી. પ્રધાનમંત્રી જ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કહેતા હતા કે, મારી બહેનોને કંઈ તકલીફ પડે તો પોસ્ટકાર્ડ લખજો પણ ગુજરાતની બહેનો જ્યારે બીજા રાજ્યોના બજેટ જોવે અને ત્યાંના બજેટમાં લાડલી બેન યોજનાઓ થકી મહિલાઓને માસિક સીધા કેશ ટ્રાન્સફર થાય છે તો ગુજરાતની જ બહેનો સાથે સરકારનું ઓરમાયું વર્તન કેમ? ગુજરાતની બહેનો જ કેમ અળખામણી?
એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી સમાજ માટે કાર્યરત વિવિધ બોર્ડ નિગમોની વસ્તીના પ્રમાણમાં ખૂબ ઓછું બજેટ ફાળવવામાં આવ્યું છે. સૌથી વધારે રોજગારી આપતો MSME લઘુ, મધ્યમ, ઉદ્યોગો છે. આ સેક્ટર સાથે જોડાયેલા લોકોને અપેક્ષા હતી કે, મોટા ઉદ્યોગોની સરખામણીમાં વીજળીમાં રાહત મળશે, ટેક્સમાં રાહત મળશે, જમીનો સસ્તી મળશે, પણ એવી કોઈપણ વાત આ બજેટમાં જોવા ના મળી. કુપોષણ માટે વર્ષોથી બજેટ ફાળવાય છે પણ કુપોષણમાં ગુજરાતનું આખા દેશમાં સ્થાન ક્યાં છે? સોશિયલ વેલફેર ન્યૂટ્રીશન માટે એવરેજ આઠ ટકા બજેટ ફાળવવાની વાત છે પરંતુ ગુજરાતમાં ચાર ટકા જ ફાળવાઈ છે.


















Recent Comments