આજરોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે સાવરકુંડલા શહેરના નાગરિકો દ્વારા તેમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે શહેરના રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ સામાન્ય જનતાએ પંડિતજીના બલિદાન અને તેમના ‘એકાત્મ માનવવાદ’ના સિદ્ધાંતોને યાદ કર્યા હતા. જોકે, આ શ્રદ્ધાંજલિની સાથે જ શહેરના પ્રબુદ્ધ નાગરિકોમાં એક મહત્વની માંગણીએ જોર પકડ્યું છે.
શહેરની મધ્યમાં આવેલ ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઉપવન’ (જનતા બાગ) ખાતે હાલમાં પ્રતિ વ્યક્તિ પાંચ રૂપિયા પ્રવેશ ફી વસૂલવામાં આવે છે. આજની આ કાળઝાળ મોંઘવારીમાં સામાન્ય શ્રમિક વર્ગ, ગરીબ અને વંચિત પરિવારો માટે પોતાના બાળકો સાથે આ બગીચામાં પ્રવેશ કરવો આર્થિક રીતે ઘણો કપરો સાબિત થઈ રહ્યો છે. જે પંડિતજીના નામે આ ઉપવન છે, તેમના જ આદર્શો મુજબ સમાજના છેવાડાના માણસને સુખ-સુવિધા મળવી જોઈએ, તેના બદલે અહીં આર્થિક અવરોધ જોવા મળી રહ્યો છે.
અંત્યોદયની વિભાવના ક્યારે ચરિતાર્થ થશે?
સ્થાનિક નાગરિકોનું માનવું છે કે:ઓછામાં ઓછું પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ જેવા ખાસ દિવસોએ તો પ્રવેશ ફી સંપૂર્ણ નાબૂદ કરવી જોઈએ.
જ્યારે નાના બાળકો, જેમના માટે બગીચો એ મનોરંજનનું એકમાત્ર સાધન છે, તેમના માટે કાયમી ધોરણે પ્રવેશ ફી માફ કરવી જોઈએ.
ગરીબ અને મધ્યમ વર્ગના લોકો દિવસભરના શારીરિક અને માનસિક થાક બાદ થોડી ક્ષણો શાંતિની માણી શકે તે માટે તંત્રએ ઉદારતા દાખવવી જોઈએ.
”જો છેવાડાના માનવીને મનોરંજન માટે પણ સંઘર્ષ કરવો પડે, તો પંડિતજીના અંત્યોદયના સપનાનું શું??? તંત્રએ આ બાબતે ગંભીરતાથી વિચારીને ગરીબ જનતાને પ્રવેશ ફીમાંથી મુક્તિ આપવી જોઈએ.” –
સાવરકુંડલાના જાગૃત નાગરિકોની માંગ છે કે નગરપાલિકા કે સંબંધિત તંત્ર આ દિશામાં હકારાત્મક નિર્ણય લે. જો ગરીબો અને જરૂરિયાતમંદોને આ જનતા બાગમાં વિનામૂલ્યે પ્રવેશ મળે, તો જ સાચા અર્થમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના આદર્શો ચરિતાર્થ થયા ગણાશે.


















Recent Comments