ગેરકાયદેસર રીતે એમ્બરગ્રીસનો જથ્થો રાખનારા ઇસમોની અટકાયત
ઇન્દ્રજાળ, એમ્બરગ્રીસ વગેરે દરિયાઇ પદાર્થોને ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામાં રાખવા એ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ હેઠળ ગુન્હો છે. એમ્બરગ્રીસનો ગેરકાયદેસર રીતે જથ્થો રાખનારા સામે પોલીસ અને વન તંત્ર દ્વારા પગલાઓ લેવામાં આવ્યા હતા.તા.૨૮ નવે.૨૦૨૪ના રોજ ભાવનગર પોલીસ અને મહુવા વન્યજીવ રેન્જ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની વિગતો મુજબ, મહુવાના બે ઇસમો સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ની કલમ-૨(૧), ૨(૨), ૨(૧૪), ૨(૩૨), ૩૯, ૪૪, ૪૯-એ, ૪૯-બી, ૫૦, ૫૧, ૫૨ અને ૫૭ અંતર્ગત ગુન્હાઓ નોંધવામાં આવ્યા છે.
સ્પર્મ વ્હેલ દ્વારા ઉલ્ટી મારફતે નીકળતો પદાર્થ એમ્બરગ્રીસનો અંદાજે ૧૨.૩૦ કિગ્રાનો જથ્થો ધરાવતા ઇસમ (૦૧) જયદીપભાઇ મગનભાઇ શિયાળ – ઉ.વર્ષ ૨૧, રહેવાસી પ્લોટ નં.૭, ચામુંડાનગર, તુલસી સોસાયટી, મહુવા, જિ. ભાવનગર, (૦૨) રામજીભાઇ રાહાભાઇ શિયાળ ઉ.વર્ષ ૫૬, રહેવાસી ગઢડા વાડી વિસ્તાર, જરેનાથ મહાદેવ મંદિર પાસે, મહુવા, જિ. ભાવનગર ની અટકાયત કરવામાં આવી હતી. આ બંને ઇસમો સાથે અન્ય કોઈ ઇસમની સંડોવણી તથા એમ્બરગ્રીસના વેચાણ અને ગેરકાયદેસર કબ્જા અંગેની તપાસની કાર્યવાહી મદદનીશ વન સંરક્ષકશ્રી, પાલીતાણા અને પરિક્ષેત્ર વન અધિકારીશ્રી, વન્યજીવ રેન્જ મહુવા ખાતે પ્રગતિ તળે છે.
ઇન્દ્રજાળ, એમ્બરગ્રીસ વગેરે દરિયાઇ પદાર્થોને ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામાં રાખતા હોય તેવા ઇસમો વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ હેઠળ ગુન્હાપાત્ર છે. આ પ્રકારની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોય તેવા ઇસમ વિશેની વિગત નજીકના વન વિભાગની કચેરીને મળી રહે તે માટે નાગરિકોને સહકાર આપવા, શેત્રુંજી વન્યજીવ વિભાગ, પાલીતાણાના નાયબ વન સંરક્ષકશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યુ છે.
Recent Comments