અમરેલી

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ ધારીના ભાડેરગામની ડિમ્પલ ભરખડાને મળી શ્રવણ શક્તિ

જન્મથી જ બધિર ડિમ્પલના કાને હવે ધ્વનિઓ અથડાય છે! ડિમ્પલને તેના જીવનના શરુઆતના ૬ વર્ષ સુધી દુનિયાના કોલાહલ અને સુમધુર ધ્વનિઓ તેના કાન સુધી પહોંચતા ન હતા કારણ હતું, કન્જેનાઈટલ ડેફનેસ એટલે કે જન્મજાત બધિરતા. પરંતુ કેન્દ્ર – રાજ્ય સરકારના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના પરિણામે આર્થિક રીતે સાધારણ સ્થિતિ ધરાવતા પરિવારની દીકરી ડિમ્પલને કોકલીયર ઈમ્પ્લાન્ટ સર્જરી થકી શ્રવણ શક્તિ પ્રાપ્ત થઇ છે.

અમરેલીના ધારી તાલુકાના ભાડેર ગામે નિવાસ કરતા ડિમ્પલના પિતા શ્રી ભાવેશભાઈ ભરખડા કહે છે કે, એક પણ રુપિયો ખર્ચ્યા વિના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત રુ.૬ થી રુ.૮ લાખના ખર્ચે થતી સર્જરી સહિતની સારવાર અને સાંભળવાનું યંત્ર વિના મૂલ્ય મળ્યું છે.

તેઓ કહે છે કે, જન્મથી ડિમ્પલ સાંભળી શકતી ન હતી, કોકલીયર પ્લાન્ટ સર્જરીની બાદ ડિમ્પલની સાંભળવાની શક્તિમાં ખૂબ વધારો થયો છે, આજે ડિમ્પલ સ્કૂલે જઈ રહી છે, સાથે જ તે વિવિધ ચીજ વસ્તુઓને ઓળખતી થઈ છે અને તેની બોલવાની ક્ષમતા પણ ધીરે ધીરે વિકસી રહી છે.

શ્રી ભાવેશભાઈ કહે છે કે, ડિમ્પલની જન્મજાત બધિરતાની સારવાર માટે આરબીએસકે (રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ) ડોક્ટર્સની ટીમ અને આરોગ્ય તંત્રનો ખૂબ સહયોગ રહ્યો છે, સારવાર માટે જરુરી સંદર્ભ કાર્ડ કાઢી આપવાથી ડિમ્પલની ભાવનગર સર તખ્તસિંહજી (ટી.) હોસ્પિટલ ખાતે સર્જરી પાટે પૂરતો સહયોગ આપ્યો છે. ત્યારબાદ નિયમિત ફોલોઅપ પણ લઈ રહ્યા છે.

ભાડેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ મેડિકલ ઓફિસર શ્રી એન. આર. ધડુક જણાવે છે કે, જન્મજાત ખામી ધરાવતા બાળકોને જરૂરી સારવાર મળી રહે તે માટે આરબીએસકેની ટીમ સતત કાર્યરત રહે છે, સાથે જ આ બધિરતા ધરાવતા બાળકોનું સામાજિક પુનઃસ્થાપન થાય તે માટે જરુરી કામકાજ, દેખરેખ અને ફોલોઅપ લેવામાં આવે છે. આ પ્રકારના બાળકોમાં સકારાત્મક ફેરફાર થાય અને શિક્ષણ મેળવે તેવા આરોગ્ય ટીમના પ્રયાસો રહે છે.

આરબીએસકે ટીમના ડૉ. વરૂણ દેવમુરારી કહે છે કે, આંગણવાડીમાં સ્ક્રિનિંગ દરમિયાન ડિમ્પલની કંજેનાઈટલ ડેફનેસનો કેસ સામે આવ્યો હતો, આ બિમારીમાં બાળક જન્મથી સાંભળી શકતું નથી, સાંભળી શકતું ન હોવાને હિસાબે બાળક બોલી પણ શકતું નથી, આ જન્મજાત બિમારીનું કોઈ ચોક્કસ કારણ તો સામે આવ્યું નથી. પરંતુ આ બિમારીમાં ચેતાતંત્રીય ડેમેજ હોય છે. કાનની અંદર શ્રવણ શક્તિ માટે જરુરી હાડકું, માઇક્રો નર્વસ વગેરે યોગ્ય રીતે કામ ન કરતા હોવાથી અવાજના તરંગો મગજ સુધી પહોંચતા નથી. મગજના ચેતાતંતુઓ સુધી અવાજને પહોંચાડવા માટે કાનના અંદરના ભાગે સર્જરી દ્વારા કોકલીયર યંત્ર લગાવવામાં આવે છે.

તેઓ ઉમેરે છે કે, ૧૦૦૦ એ ૫ થી ૬ લોકોમાં કંજેનાઈટલ ડેફનેસ જોવા મળે છે. તેના ઈલાજ માટે કોક્લીયર ઈમ્પ્લાન્ટ સર્જરી જરુરી બને છે. કોક્લીયર ઈમ્પ્લાન્ટ એક અદ્યતન ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે જે કાનના ક્ષતિગ્રસ્ત ભાગોને બાયપાસ કરે છે અને સીધા શ્રાવ્ય ચેતાને ઉત્તેજિત કરે છે, જે વ્યક્તિને અવાજ સમજવામાં મદદરુપ બને છે.

કોક્લીયર ઈમ્પ્લાન્ટની સર્જરી બાદ દર્દીને સ્પીચ થેરાપી આપવી જરુરી બને છે કારણ કે જન્મથી સાંભળી અને બોલી ન શકવાને કારણે કોઈપણ ચીજ વસ્તુઓના નામ શબ્દ કે ભાષાનો ખ્યાલ હોતો નથી, જેથી સ્પીચ થેરાપી દ્વારા વસ્તુઓ ઓળખવાની શરુઆત થાય છે. આ ઉપરાંત શબ્દો બોલતા શીખે છે અને ભાષાનું જ્ઞાન પણ કેળવાઈ છે.

કોક્લીયર ઉપકરણમાં આંતરિક અને બાહ્ય બંને ભાગો હોય છે. આ ઉપકરણ અવાજની ભાવના પહોંચાડવા માટે કોક્લિયર નર્વ (સાંભળવા માટે જવાબદાર) ને ઉત્તેજિત કરે છે. કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી તમને વધુ સારી રીતે સાંભળવામાં મદદ કરી શકે છે.

૬ વર્ષની ડિમ્પલ ભરખડાની સારવાર માટે ડૉ.ફેની ચંદારાણા, ફિમેલ, હેલ્થ વર્કર શ્રી અવનીબેન ટિલાવત, હેલ્થ વર્કર શ્રી સંદીપ પાચાણી, શ્રી મનિષાબેન સહિત આરબીએસકે ટીમ, જિલ્લા આરોગ્ય તંત્ર અને ડીઈઆઇસી  વિભાગે જરુરી સંકલન સાધ્યું હતું.

Related Posts