ગુજરાતભરમાં સાવર્ત્રિક વરસાદ બાદ મોટાભાગના ખેડૂતોએ હોંશભેર ખરીફ પાકોનું વાવેતર કર્યું છે. વાવેતર બાદ ઉગી નીકળેલા પાકોને રોગ-જીવાતથી સુરક્ષિત રાખવા ખેડૂતો દ્વારા પાક માવજત માટેના વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર પણ રોગ-જીવાતથી પાકને થતા નુકશાનને અટકાવવા હરહંમેશ ખેડૂતોની પડખે રહી છે. એ જ અનુક્રમને જાળવી રાખતા ખેતી નિયામકની કચેરી-ગાંધીનગર દ્વારા કપાસની વાવણી બાદ ચૂસીયા પ્રકારની જીવાતોના સંકલિત વ્યવસ્થાપન માટેના મહત્વપૂર્ણ પગલાઓ સૂચવતી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
કપાસમાં વાવણી બાદ થતી ચૂસીયા જીવાતોના વ્યવસ્થાપન માટે આટલું જરૂર કરો:-
- શેઢાપાળા ઉપર નિંદામણો ખાસ કરીને ગાડર, કાંકસી, જંગલી ભીંડા, કોંગ્રેસ ઘાસ અને જંગલી જાસૂદ જેવા છોડ-ઘાસને નિંદામણ કરીને તેનો નાશ કરવો.
- મોલોમશી તથા તડતડીયાનાં જૈવિક નિયંત્રણ માટે પરભક્ષી લીલી પોપટી (ક્રાયસોપા)ની ૨ થી ૩ દિવસની ઇયળો હેકટરે ૧૦,૦૦૦ની સંખ્યામાં ૧૫ દિવસના ગાળે બે વખત છોડવી.
- લીમડાનાં મીંજનું પ ટકા દ્રાવણ અથવા એઝાડીરેકટીન જેવી બિનરાસાયણિક તત્વ ધરાવતી ૧૫૦૦, ૩૦૦૦ કે ૧૦,૦૦૦ પીપીએમ અનુક્રમે ૫ લીટર, ૨.૫ લીટર અને ૭૫૦ મી.લી પ્રતિ હેકટરે ઉપયોગ કરવી.
- મોલો મશી, સફેદ માખીની મોજણી અને નિયંત્રણ માટે પીળા ચીકણાં પિંજરનો ઉપયોગ કરવો.
- રાતા ચૂસિયાં અને રૂપલાંના નિયંત્રણ માટે કેરોસીનવાળા પાણીમાં અર્ધ ખુલેલા કે આખા ખુલેલા જીંડવાઓ ખંખેરી રૂપલાં ભેગા કરી નાશ કરવો અથવા છોડ હલાવી અને બે છેડેથી દોરડું પકડી હારમાં ઝડપથી ચાલવાથી આ રૂપલાઓને નીચે પાડી નાશ કરવો.
- પ્રાકૃતિક કૃષિમાં ચૂસિયા જીવાતોના નિયંત્રણ માટે ૨૦૦ લિટર નિમાસ્ત્ર (પાણી ભેળવ્યા વિના) એક એકર મુજબ છાંટવું. બ્રહ્માસ્ત્ર, દશપર્ણી અર્ક જેવી બિનરસાયણિક જંતુનાશકો ૬ થી ૮ લીટર માત્રામાં ૨૦૦ લિટર પાણીમાં ભેળવી એક એકર મુજબ છંટકાવ કરવો.
- ચૂસિયા જીવાતોના જૈવિક નિયંત્રણ માટે સુક્ષ્મ જૈવિક નિયંત્રકો જેવા કે, વર્ટીસીલીયમ લેકાની અથવા બુવેરીયા બાસીયાના ૫૦ ગ્રામને ૧૦ લીટર પાણીમાં પાકની શરૂઆતની અવસ્થાએ વાતાવરણમાં ભેજ હોય ત્યારે છંટકાવ કરવો.
- સફેદમાખીના ઉપદ્ગવની શરૂઆત જણાયેથી તેના નિયંત્રણ માટે એઝાડીરેકટીન ૧૫૦૦ પીપીએમ ૫૦ મીલીને ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
- ટી મોસ્કીટો બગથી થયેલ નુક્શાનનો ભાગ તોડીને નાશ કરવો તથા ખેતરની અંદર છાંયડો ન પડે તેની કાળજી રાખવી. જીવાતની શરૂઆત જણાય તે વખતે એઝાડીરેકટીન ૧૫૦૦ પીપીએમ ૫૦ મીલી અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર ૪૦ ગ્રામને ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
- કપાસના પાકમાં સ્થાનિક જીવાતો (એન્ડેમિક પેસ્ટ)નો વધુ ઉપદ્રવ જણાયેથી આપના કાર્યક્ષેત્રને લગત કૃષિ યુનિવર્સીટી દ્વારા ભલામણ કરેલ રાસાયણિક જંતુનાશક દવાઓનો જરૂરીયાત તેમજ ભલામણ મુજબ ઉપયોગ કરવો.
- જંતુનાશક દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ સંકલિત જીવાત વ્યવસ્થાપનના ભાગરૂપે તબક્કાવાર અનુસરવા.
Recent Comments