રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગો અને નિરાધાર બાળકો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. સંવેદનશીલતા સાથે દિવ્યાંગોનું આર્થિક અને સામાજિક ઉત્થાન થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધતા સાથે પ્રયત્નશીલ છે. અમરેલી જિલ્લામાં કાર્યરત સમાજ સુરક્ષા કચેરી દ્વારા વર્ષ ૨૦૨૫ દરમિયાન વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લાભાર્થી સુધી પહોંચાડવામાં આવ્યો છે.
જિલ્લામાં દિવ્યાંગોને લાંબા અંતરની મુસાફરીની સરળતા સાથે સગવડતા મળે તે માટે કુલ ૧,૧૦૧ દિવ્યાંગોને એસ.ટી બસ નિ:શુલ્ક મુસાફરી પાસનું વિતરણ કરવામાં આવ્યુ છે. સાથે ૧૫૪ દિવ્યાંગોને દિવ્યાંગતામાં મદદરૂપ થવા વિવિધ પ્રકારના સાધનોના મંજૂરી હુકમ એનાયત કરવામાં આવ્યા છે. કુલ ૪,૫૩૩ તીવ્ર દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોનનું આર્થિક સશક્તિકરણ ઝડપથી થાય તે માટે રોજગારલક્ષી સહાય માટે રૂ. ૪.૪૨ કરોડથી વધુની રકમની સહાય મંજૂર કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા સામાજિક સશક્તિકરણના ભાગરૂપે અનેકવિધ પહેલો શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લાના કુલ ૩૭ દિવ્યાંગ લાભાર્થીઓને રૂ. ૧૮.૫ લાખથી વધુની રકમની દિવ્યાંગ લગ્ન સહાયની ચૂકવણી કરવામાં આવી છે. ઉપરાંત ૧૭૪ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રૂ. ૧.૭૪ લાખની શિષ્યવૃત્તિ સહાયનું વિતરણ કરવામાં આવ્યુ છે. આમ, રાજ્ય સરકાર દ્વારા શિક્ષાથી લઈને લગ્ન સુધી દિવ્યાંગોને કોઈ તકલીફ ન પડે ઉપરાંત તેમનું સશક્તિકરણ થાય તે પ્રકારે છેવાડાના લાભાર્થી સુધી લાભનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
દરેક નિરાધાર બાળકને પાલકનો સાથ મળે અને સન્માન સાથે જીવન જીવી શકે તે પ્રકારના ઉમદા ઉદ્દેશ સાથે પાલક માતા-પિતા યોજના અમલી છે. આ યોજના હેઠળ જિલ્લામાં કુલ ૩૭૩ નિરાધાર બાળકોને રૂ. ૧.૩૬ કરોડથી વધુની રકમની સહાયનો લાભ પહોંચાડવામાં આવ્યો છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, સરકાર સીધી જ લાભાર્થીના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી વિવિધ સહાયનું વિતરણ કરે છે, જે લાભાર્થીની સગવડતામાં વધારો કરે છે.
દિવ્યાંગો સહિત શોષિત અને વંચિતો ગૌરવભેર જીવન જીવી શકે, સન્માન સાથે પ્રગતિ તરફ આગળ ધપી શકે, ઉપરાંત ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકે તે માટે સંવેદનશીલતા સાથે રાજ્ય સરકાર દ્વારા સફળ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સામાજિક અને આર્થિક ઉન્નતિ માટે રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. દરેક લોકલ્યાણકારી યોજનાઓના માધ્યમથી રાજ્યમાં “જન જનનું કલ્યાણ”નું સપનું સાકાર થઈ રહ્યું છે.


















Recent Comments