અમરેલી, તા.૧૫ ઓગસ્ટ,૨૦૨૫ (શુક્રવાર) આઝાદીના અમૃતકાળ દરમિયાન ૭૯માં સ્વાતંત્ર્ય પર્વ દિનની જિલ્લા કક્ષાની ઉજવણી વડીયા ખાતે અમરેલી જિલ્લા કલેકટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને સંપન્ન થઈ હતી.
વડીયા સ્થિત સુરગવાળા સાર્વજનિક હાઈસ્કુલના ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી વિકલ્પ ભારદ્વાજે ધ્વજવંદન કર્યુ હતુ. જિલ્લા પોલીસ દ્વારા હર્ષ ધ્વનિ અને દેશભક્તિના ગીતોની ધૂન સંગીતની સૂરાવલીઓ પર વગાડવામાં આવી હતી. જિલ્લા કલેકટરશ્રીએ વિદ્યાર્થીઓ અને નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું. જિલ્લા કલેકટરશ્રીએ નાગરિકોને સ્વાતંત્ર્યદિનની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રીએ જિલ્લાનો પ્રગતિ અહેવાલ રજૂ કરતું પ્રેરક ઉદ્બબોધન કર્યુ હતુ. જિલ્લાની વિવિધ કચેરીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતો તેમણે આપી હતી.
જિલ્લા કલેકટરશ્રીએ કહ્યુ કે, મહામૂલી આઝાદી મેળવવા માટે અને મા ભોમની રક્ષા માટે આપણા અનેક નામી-અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓ અને વીર સપૂતોએ પોતાના જીવનના બલિદાન આપ્યા છે. બંધારણના કારણે દેશના તમામ નાગરિકોને સામાજિક, આર્થિક, રાજકીય, ન્યાય, વિચાર-અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતાની તક અને હક મળ્યા છે.
વિકાસના ગ્રોથ એન્જિન બનેલા ગુજરાતમાં રાજ્ય સરકારે જન સામાન્ય, ગરીબ, વંચિત, પીડિત, શોષિત, શહેર, ગામડુ, ખેડૂત, યુવા અને મહિલા સહિત તમામને ધ્યાને લઇ રાજય સરકારે વિવિધ યોજનાકીય ઘડતર કર્યુ છે.
તેમણે ઉમેર્યુ કે, લોકાભિમુખ વહીવટની નેમ સાથે રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી ગુણવત્તાસભર શિક્ષણ, મહત્તમ રોજગારી, નાગરિક સુવિધાઓ, સ્વચ્છતા મિશન, જમીન અંગેના કાયદાઓના સરળીકરણ, કૌશલ્યવર્ધન કાર્યક્રમ જેવા બહુઆયામી અને અગત્યના મુદ્દાઓને આવરી લઇ સુશાસનના હેતુઓ સિદ્ધ થઇ રહ્યા છે.
અમૃતકાળમાં પણ દેશ અને દુનિયાને વિકાસનું દિશાદર્શન કરાવી શકવાની ક્ષમતા ધરાવતા ગુજરાત રાજયની ક્ષમતાઓ વધુ વિકસે અને સફળતાના શિખરો સર કરતું રહે તે માટે આપણે સૌ સંકલ્પબધ્ધ થઇએ. રાષ્ટ્ર – પ્રથમના ભાવ સાથે ગુજરાત રાજ્ય એ વિકાસના દરેક ક્ષેત્રમાં અવ્વલ રહે તે માટે આપણે સૌ સાથે મળી વિકસિત ભારત@૨૦૪૭ માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં સમર્પિત થઈએ.
વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં દેશભક્તિની થીમ આધારિત વિશેષ કલાકૃતિઓ રજૂ કરી હતી. સાંસ્કૃત્તિક કૃત્તિઓ અને યોગ નિદર્શન કરનાર વિદ્યાર્થીઓ અને યોગાસન રજૂ કરનારાઓ સહિતનાઓને મહાનુભાવો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
શાળાના પરિસરમાં આરોગ્ય, પોલીસ, આઈ.સી.ડી.એસ., એ.આર.ટી.ઓ, આત્મા પ્રોજેક્ટ અને ખેતીવાડી, બાગાયત, સખી મંડળો, પ્રાકૃતિક ખેતી સહિતના સ્ટોલ્સનું નિદર્શન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ શાળાના પરિસરમાં વૃક્ષારોપણ કર્યુ હતુ.
વિવિધ ક્ષેત્રે, અમરેલી જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીશ્રીઓ, શિક્ષકશ્રીઓ, અને કર્મયોગીશ્રીઓ, રમતગમતમાં વિજેતા થનારા ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં, સાંસદશ્રી ભરતભાઈ સુતરિયા, ગુજરાત રાજય વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને અમરેલી-વડીયા-કુંકાવાવ ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યા, પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત, સુપર ન્યૂમરરિ આસિસ્ટન્ટ કલેકટર શ્રી અતુલ સિંઘ, નિવાસી અધિક કલેકટર શ્રી દિલિપસિંહ ગોહિલ, બગસરા-વડીયા પ્રાંત અધિકારી શ્રી કમલેશ નંદા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, અગ્રણીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને જિલ્લાની વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ, કર્મયોગીશ્રીઓ, શાળા અને કૉલેજના વિદ્યાર્થી-વિદ્યાર્થીનિઓ ઉપરાંત વડીયા-કુંકાવાવના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments