અમરેલી

અમરેલીના લાઠી તાલુકાના ચાવંડ અને બાબરા મુકામે પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્ર, વિવિધ પ્રાથમિક શાળા, આંગણવાડીની મુલાકાત કરતા જિલ્લા પ્રભારી સચિવ સંદીપકુમાર

આજરોજ અમરેલી જિલ્લા પ્રભારી સચિવ શ્રી સંદીપકુમારે જિલ્લાના લાઠી તાલુકાના ચાવંડ અને બાબરા મુકામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, નંદઘર-આંગણવાડી અને પ્રાથમિક શાળાઓની મુલાકાત લઈને આરોગ્ય સુવિધાઓ, શિક્ષણ વ્યવસ્થા અને મઘ્યાહન ભોજન વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.

લાઠી તાલુકાના ચાવંડ મુકામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુલાકાત વેળાએ પ્રભારી સચિવ શ્રી સંદિપકુમારે દૈનિક ઓ.પી.ડી, વિવિધ સારવાર, ચાઇલ્ડ  સ્ટન્ટિંગ અને વેસ્ટીંગ સંબંધિત કામગીરી, નાના બાળકોની આરોગ્ય સારવાર અને સુવિધાઓ વિષયક વિસ્તૃત જાણકારી મેળવી હતી, વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાવંડ ખાતે પ્રભારી સચિવશ્રીએ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા, લાઠી-બાબરા પ્રાંત અધિકારી શ્રી બ્રહ્મભટ્ટ, આરોગ્ય કેન્દ્ર મેડિકલ ઓફીસર અને અન્ય  સ્ટાફ સભ્યશ્રીઓ સાથે બેઠક પણ કરી હતી.

પ્રભારી સચિવ શ્રી સંદીપકુમારે ચાઈલ્ડ ન્યુટ્રીશન, ચાઈલ્ડ સ્ટન્ટિંગ (ઊંચાઈ પ્રમાણે ઓછું વજન) અને ચાઈલ્ડ વેસ્ટિંગ (લંબાઈ પ્રમાણે અત્યંત દુબળાપણું) વિશે, ઉપરાંત આંગણવાડીમાં પ્રવેશપાત્ર ભૂલકાઓના નામાંકન સહિતના મુદ્દે ઉપસ્થિત સંબંધિત અધિકારીશ્રીઓને પ્રગતિલક્ષી કામગીરી માટે વિવિધ દિશાનિર્દેશો આપ્યા હતા, સૂચનાઓ આપી હતી. પ્રભારી સચિવશ્રીએ બાળકોની આરોગ્ય તપાસણી સંબંધિત માહિતી પણ મેળવી હતી.

ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લામાં આંગણવાડી અને શાળાકક્ષાએ બાળકોની આરોગ્ય તપાસણી નિયમિત રીતે વિવિધ ૩૦થી વધુ આરોગ્ય ટીમો દ્વારા કરવામાં આવી રહી છે. પ્રભારી સચિવશ્રીએ આ કામગીરીની પ્રશંસા કરી હતી. જિલ્લા પ્રભારી સચિવ શ્રી સંદીપકુમારે ચાવંડ ખાતે પ્રાથમિક શાળા કેમ્પસ, આંગણવાડી-નંદઘર ખાતે મુલાકાત કરીને બાળકો સાથે સહજ વાર્તાલાપ કર્યો હતો અને મધ્યાહન ભોજન વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.

પ્રભારી સચિવશ્રીએ બાબરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બાલ સેવા કેન્દ્ર, ઓ.પી.ડી વોર્ડ, ફીજીયોથેરાપી રૂમ, ડેન્ટિસ્ટ વિભાગની મુલાકાત કરી આરોગ્ય સુવિધાઓનું નીરિક્ષણ કર્યું હતું. જિલ્લામાં આરોગ્યલક્ષી કામગીરી વધુમાં વધુ સારી રીતે થાય તે માટે વિવિધ દિશાનિર્દેશો આપ્યા હતા. ઉપરાંત બાબરા સ્થિત આંગણવાડીની મુલાકાત કરીને બાળકોને સહજ સ્નેહે સવાલો પૂછ્યા હતા, મઘ્યાહન ભોજન સંબંધિત વ્યવસ્થાઓનું નીરિક્ષણ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આંગણવાડીમાં પ્રવેશપાત્ર ભૂલકાઓનું નામાંકન, નોંધણી બાકી ન રહે તે માટે પ્રભારી સચિવ શ્રી સંદીપકુમારે સંબંધિત અધિકારીશ્રીઓને સ્થળ પર જ સૂચનાઓ આપી હતી.

અમરેલી જિલ્લા પ્રભારી સચિવ શ્રી સંદીપકુમારની વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળાઓ, આંગણવાડી નંદઘરની મુલાકાત વેળાએ સ્થાનિક પદાધિકારીશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા, લાઠી-બાબરા પ્રાંત અધિકારી શ્રી બ્રહ્મભટ્ટ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્પણ ચાવડા, મામલતદારશ્રી, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.            

Related Posts