અમરેલી તાજેતરમાં તારીખ ૦૨ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અમરેલી દ્વારા વેદ બ્લડ બેંક, અમરેલીના સહયોગથી જિલ્લા અદાલત, અમરેલી ખાતે એક વિશાળ રક્તદાન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ શ્રી રીઝવનાબેન બુખારી, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી ડી.એસ. શ્રીવાસ્તવ, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી એસ. આર. વકાલીયા, સિનિયર સિવિલ જજ શ્રી એસ.આર.મુલતાની, સિવિલ જજ શ્રી કે.બી.પરમાર, ફૂલ ટાઈમ સેક્રેટરી શ્રી આર.વાય.ત્રિવેદી તેમજ વકીલ મંડળના પ્રમુખ શ્રી હિરેન્દ્રસિંહ વાળા સહિતના હોદ્દેદારો અને વકીલશ્રીઓ, તેમજ કોર્ટના કર્મચારીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને રક્તદાન કર્યું હતું. ન્યાયતંત્ર સાથે જોડાયેલા આ મહાનુભાવોએ રક્તદાન જેવા ઉમદા કાર્યમાં જોડાઈને સમાજ પ્રત્યે પોતાની નૈતિક જવાબદારી અને નિષ્ઠાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ ઉમદા સેવાકીય કાર્યની પ્રશંસા કરતા, ‘વેદ બ્લડ બેંક’ના ચેરમેન શ્રી લલિતભાઈ ઠુમ્મર દ્વારા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેનશ્રી રીઝવનાબેન બુખારીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમને સ્મૃતિચિન્હ અર્પણ કરી, ન્યાયિક વિભાગ દ્વારા કરવામાં આવેલા આ પ્રેરણાદાયી આયોજનને બિરદાવવામાં આવ્યું હતું.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને ન્યાયિક વિભાગ હંમેશા કાયદાકીય માર્ગદર્શનની સાથે સામાજિક ઉત્થાનના કાર્યોમાં પણ અગ્રેસર રહે છે. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર લોહી મળી રહે અને લોકોમાં રક્તદાન અંગે જાગૃતિ આવે તેવો રહ્યો હતો. રક્તદાન દ્વારા સમાજની સેવા કરવાના આ અભિગમને સ્થાનિક લોકો અને સંસ્થાઓએ પણ ખૂબ આવકાર્યો હતો.


















Recent Comments