ભાવનગરમાં યોજાનાર “સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન”ને સફળ બનાવવા જિલ્લા રક્તપિત્ત અધિકારીનો અનુરોધ

રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લામાં તા.૩૦ જાન્યુઆરી થી તા.૧૩ ફેબ્રુઆરી,૨૦૨૫ દરમ્યાન રક્તપિત્ત જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે.”સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઇન-૨૦૨૫”ની થીમ ચાલો સાથે મળીને જાગૃતિ લાવીએ. ગેરસમજ દૂર કરીએ અને રક્તપિત્ત ગ્રસ્ત વણશોધાયેલા દર્દીઓ ન રહી જાય તે સુનિશ્ચિત કરીએ. “સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન” અંતર્ગત તા.૩૦ જાન્યુઆરીના દિવસે ભાવનગર જિલ્લાના દરેક ગામમાં ખાસ ગ્રામસભા યોજવામાં આવશે અને તેમાં રક્તપિત્ત અંગે જાણકારી આપવામાં આવશે.તદઉપરાંત આ ગ્રામસભામાં જિલ્લા કલેક્ટરશ્રી રક્તપિત્ત નાબુદી અભિયાનમાં અલગ-અલગ રીતે જોડાવા અંગે સંદેશ વાંચનની સાથે સરપંચની અપીલ બાદ હાજર સભ્યો રક્તપિત્ત નાબુદી અંગે પ્રતિજ્ઞા લેશે.
જો કોઇ રક્તપિત્ત દર્દી ગામમાં હોય તો તેનું સન્માન કરવામાં આવશે. ત્યારબાદનાં પખવાડીયા દરમ્યાન સંદેશા વ્યવહારનાં અલગ અલગ માધ્યમ દ્વારા ભીંતસુત્રો, રેલી, પોસ્ટર, બેનર, સ્કુલસ્પર્ધા તથા ગ્રામ આરોગ્ય સમિતિની બેઠકમાં ચર્ચા તથા આશા અને આરોગ્ય કાર્યકરોની ગૃહ મુલાકાત દરમ્યાન રૂબરૂ લોકજાગૃતિ કરવામાં આવશે. સોશિયલ મીડિયા દ્વારા પણ પ્રચાર – પ્રસાર કરવામાં આવશે.
૧૫ દિવસ સુધી ચાલનારા આ અભિયાન દરમ્યાન ગ્રામસભામાં રક્તપિત્તના દર્દી પ્રત્યે સંવેદના રાખી તેઓની કાળજી લેવામાં આવે તેમજ તેની સાથે કોઇ ભેદભાવ ના થાય તે ખાસ સંદેશ આપવામાં આવશે. આ અભિયાનને સફળ બનાવવા માટે લોકોની સહ ભાગીદારી માટે જિલ્લા રક્તપિત્ત અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
બોક્ષ:
રક્તપિત્ત બેક્ટેરીયાથી થતો ધીમો રોગ છે. જે ચામડી અને બહારના ચેતાઓ પર અસર કરે છે. આ રોગ કોઇ પાપનું પરિણામ નથી. રક્તપિત્ત મુક્ત સમાજનાં નિર્માણમાં તમારો સહભોગ મળી રહે તે અપેક્ષિત છે. રક્તપિત્તનું નિદાન અને સારવાર તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો અને જનરલ હોસ્પીટલમાં વિનામુલ્યે કરી શકાય છે. સારવારનો સમયગાળો ૬ થી ૧૨ માસનો છે.
Recent Comments