અમરેલી

અમરેલીના નવા ખીજડીયા ખાતે જિલ્લાકક્ષા પશુપાલન શિબિર અને નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત ડોર ટુ ડોર કચરા કલેક્શન ઈ-વ્હિકલ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

અમરેલીના નવા ખીજડીયા મુકામે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યાની ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષા પશુપાલન શિબિર અને નિર્મળ ગુજરાત ૨.૦ અન્વયે ડોર ટુ ડોર કચરા કલેક્શન ઈ-વ્હિકલ લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો.

સ્વચ્છ ભારત મિશન ગ્રામ્ય ફેઝ-૨ તથા નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત અમરેલીના દેવભૂમિ દેવળીયા, બાબરાના નીલવડા, બગસરાના શાપર, જાફરાબાદના વડલી, ખાંભાના જામકા, કુંકાવાવના બરવાળા બાવળ, લાઠીના શેખ પીપરીયા, લીલીયાના ભોરિંગડા, રાજુલાના ચાંચ, સાવરકુંડલાના મોટા જીંજુડા ગ્રામ પંચાયતને ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે ઈ-વ્હિકલ (ઈ-રીક્ષા)ની ફાળવણી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, જિલ્લાની કુલ ૫૧ ગ્રામ પંચાયતને પણ ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે ઈ-વ્હિકલ ફાળવણી કરવામાં આવશે.ઇંધણનો ખર્ચ બચે, પ્રદૂષણ મુક્ત વાતાવરણ બને, ખૂબ જ નહિવત  અને ઓછા ખર્ચે થતી સારસંભાળ અને જાળવણી ખર્ચથી ગ્રામ્ય કક્ષાએ સરળતાથી ઘરે ઘરેથી ડોર ટુ ડોર કચરાનું એકત્રિકરણ કરી ગામ પંચાયત કચરા મુક્ત બને તે નેમ સાથે કચરાના કલેક્શન માટે ઈ-વ્હિકલનું લોકાર્પણ-પ્રસ્થાન કરવામાં આવ્યુ હતુ.

વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યુ કે,  જિલ્લામાં પશુપાલન સતત વધે તે માટે સૌએ સહિયારા પ્રયત્નો કરવા જરુરી, રાજ્ય સરકારે પશુપાલકોની ચિંતા કરીને વિવિધ સહાય યોજનાઓ અમલમાં મૂકી છે.વધુમાં કહ્યુ કે, એક સમય હતો કે લોકો ઘરે ઘરે ૨-૩ પશુઓ રાખતા હતા. આજે ખેતીની સાથે પશુપાલન પણ જરુરી છે. શુદ્ધ દુધ, ઘી, છાસની પરિવારની જરુરિયાત પશુપાલન થકી પૂર્ણ કરી શકાય છે. 

જિલ્લાકક્ષા પશુપાલન શિબિરમાં પશુપાલકોને આદર્શ પશુપાલન, સ્વચ્છ દૂધ ઉત્પાદન, પશુઓમાં થતાં વિવિધ રોગોના ઉપચાર સહિતના વિષયો અન્વયે નિષ્ણાતો દ્વારા વિગતો અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.જિલ્લાકક્ષા પશુપાલન શિબિર, નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત ડોર ટુ ડોર કચરા કલેક્શન ઈ-વ્હિકલ લોકાર્પણના કાર્યક્રમમાં તાલુકા પંચાયત અમરેલી પ્રમુખ શ્રી કિશોરભાઈ કાનપરિયા, જિલ્લા પંચાયત  આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી કુંજડીયા, જિલ્લા પંચાયત વિવિધ સમિતિના સભ્ય શ્રીઓ, શ્રી પ્રવિણભાઈ માંગરોળીયા, સિંચાઈ, ઉત્પાદન, સહકાર અને પશુપાલન સમિતિ જિલ્લા પંચાયત અમરેલીના ચેરમેનશ્રી શારદાબેન મોર, જિલ્લા પંચાયત સભ્ય શ્રીઓ, તાલુકા પંચાયત સભ્ય શ્રીઓ, વિવિધ ગામના સરપંચશ્રીઓ,  જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ડાયરેક્ટર શ્રી જાડેજા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્પણ ચાવડા, નાયબ પશુપાલન નિયામકશ્રી ડો. કુનડીયા, ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાના નાયબ પશુપાલન નિયામક શ્રી ડૉ. તરકેશા, મદદનીશ પશુપાલન નિયામકશ્રી ડૉ. સાવલીયા, પશુ ચિકિત્સા અધિકારીશ્રીઓ, તલાટી મંત્રી શ્રીઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીશ્રીઓ, બહોળી સંખ્યામાં પશુપાલકો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts