અમરેલી

અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત પરવાનેદારોને હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટ નો આદેશ

અમરેલી જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય તથા પેટાચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે હેતુસર જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી વિકલ્પ ભારદ્વાજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામા મુજબ જિલ્લાની કુલ ૧૭ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત વિસ્તારમાં કોઈ વ્યક્તિ શસ્ત્ર અધિનિયમ ૧૯૫૯ની કલમ-૨ની વ્યાખ્યામાં આવતું કોઈ પણ હથિયાર ધારણ કરવું નહીં.

જિલ્લાના ચૂંટણી હેઠળના વિસ્તારમાં વ્યક્તિગત અને જિલ્લા બહારથી પરવાના મેળવેલ હથિયાર પરવાનેદારોએ તેમના પરવાના હેઠળના હથિયારો જાહેરનામું અમલમાં આવ્યા બાદ ૭ દિવસની અંદર સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા ફરજિયાત રહેશે. જમા કરાયેલા હથિયારો શસ્ત્ર નિયમો-૨૦૧૬ના નિયમ ૪૭ અને નિયમ ૪૮ હેઠળ સંબંધિત પોલીસ સ્ટેશનમાં સલામત રીતે રાખવામાં આવશે અને ચૂંટણી આચાર સંહિતા પૂર્ણ થયા બાદ નિયમ મુજબ પરત આપવામાં આવશે.

જાહેરનામામાં કેટલાક વર્ગોને આ આદેશમાંથી મુક્તિ આપવામાં આવી છે જેમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ફરજ પર રહેલા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ, સરકારી સુરક્ષા એજન્સીના સુરક્ષા કર્મચારીઓ, ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત અધિકારીઓ, રાષ્ટ્રીયકૃત બેંકોના અધિકૃત સુરક્ષા ગાર્ડ તેમજ જિલ્લાના બહાર વસવાટ કરતા હથિયાર પરવાનેદારોનો સમાવેશ થાય છે. જિલ્લા બહાર વસવાટ કરતા હથિયાર પરવાનેદારો ચૂંટણી હેઠળના વિસ્તારોમાં હથિયારો લઈ જઈ શકશે નહીં.

જામીન પર છૂટેલા વ્યક્તિઓ, ફોજદારી ગુના કર્યાની ભૂમિકાવાળી વ્યક્તિઓ, હુલ્લડના ગુના કર્યાની ભૂમિકામાં સંડોવાયેલા વ્યક્તિઓ, ગંભીર ગુનામાં સંડોવાયેલા વ્યક્તિઓ, ચૂંટણી પ્રક્રિયામાં કાયદો વ્યવસ્થામાં બાધકરૂપ વ્યક્તિઓ જો હથિયારનો પરવાનો ધરાવતા હગોય તો તેની સમીક્ષા કરી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીએ તેમના હથિયાર જમા લેવાના રહેશે.

આ જાહેરનામું તા. ૦૧ એપ્રિલ, ૨૦૨૬ થી તા. ૩૦ એપ્રિલ, ૨૦૨૬ સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમજ શસ્ત્ર અધિનિયમ-૧૯૫૯ હેઠળની કલમ-૨૫ હેઠળ પણ ગુનો નોંધાઈ શકશે.

આ હુકમની અમલવારી કરવા માટે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૨૨૩ મુજબ કાર્યવાહી કરવા માટે અમરેલી જિલ્લાના સંબંધિત પોલીસ સ્ટેશનના થાણા અધિકારીશ્રીઓને આ હુકમનો ભંગ કરનાર ઈસમો સામે ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવેલ છે.

Related Posts