અમરેલી

સાવરકુંડલામાં ભક્તિ અને માનવસેવાનો દિવ્ય સંગમ: શ્રી તાત્કાલિક હનુમાનજી પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી

જ્યાં ભક્તિના દીવા બળે ને                 

માનવતા મહેંકતી હોય,

ત્યાં સાક્ષાત્ હનુમંત કેરી 

કૃપા વરસતી હોય.

​સેવા તણા યજ્ઞો અહીં 

શ્રદ્ધાથી પ્રજ્વળે મિત્રો 

ભીતરના અંધારા ત્યજીને 

દુનિયા ઝળહળતી હોય.

–“પાંધી સર”

સાવરકુંડલાની પવિત્ર ધરા પર શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ દ્વારા આગામી તા. ૦૨/૦૪/૨૦૨૬, ગુરુવાર (ચૈત્ર શુક્લ પૂર્ણિમા) ના રોજ હનુમાન જન્મોત્સવ નિમિત્તે સેવા અને સમર્પણના ત્રિવેણી સંગમ સમાન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પૂજ્ય શ્રી રામસુંદરદાસ બાપુના આશીર્વાદ અને મહંત શ્રી હનુમાનદાસજી બાપુના માર્ગદર્શન હેઠળ આ મહોત્સવ યોજાશે.

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી (સાવરકુંડલા) ના સહયોગથી સાંજે ૫:૩૦ થી ૮:૦૦ દરમિયાન નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાશે. જેમાં જાણીતા નિષ્ણાંતો ડૉ. જે. બી. વડેરા, ડૉ. અનિતાબેન ધાખડા અને ડૉ. અભિજીત જેબલિયા સેવા આપશે. રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓનું સન્માન કરવામાં આવશે, તેમજ નેત્રદાન અને દેહદાનના સંકલ્પ પત્રો પણ ભરાશે.

સાંજે ૭:૩૦ કલાકે પર્યાવરણ અને વિશ્વ કલ્યાણ અર્થે ‘શ્રી કેસરીનંદન કલ્યાણ યજ્ઞ’ યોજાશે, જેમાં પ.પૂ. મહંત શ્રી મસાપીરબાપુ (નાના ઝીંઝુડા) ખાસ ઉપસ્થિત રહેશે. રાત્રે ૯:૦૦ કલાકે ભવ્ય લોકડાયરો જામશે, જેમાં કલાકાર રણધીરભાઈ વિછીયા, ભગવાનભાઈ ચાવડા, દિપક બારોટ અને જાગૃત વરીયા ભક્તિરસની હેલી રેલાવશે. ભક્તો માટે મહાપ્રસાદ અને પર્યાવરણ જાળવણી માટે માટીના કુંડાના વિતરણનું પણ સુંદર આયોજન કરાયું છે.

Related Posts