અમરેલી તા.૭ જાન્યુઆરી, ૨૦૨૫ (મંગળવાર) અમરેલી વીજ તંત્ર (પીજીવીસીએલ) દ્વારા ઉત્તરાયણ પર્વને પતંગ રસિકોએ સલામત અને સાવચેતી પૂર્વક ઉજવવા માટે અપીલ કરી છે.અમરેલી વીજ તંત્રએ પતંગ ચગાવતી વખતે જરુરી સાવચેતી રાખવા માટે સૂચનાઓ બહાર પાડી છે, તે મુજબ પતંગ કે દોરી વીજળીના થાંભલા કે તારામાં ફસાઈ જાય તેને લેવા માટે થાંભલા પર ચડશો નહીં, વીજળીના તાર કે કેબલને પણ અડકશો નહીં, વીજળીના વાયર કે તાર ઉપર પડેલા પતંગ લેવા લંગર નાખશો નહીં. તેમ કરવાથી વીજળીના તાર ભેગા થતાં મોટા ભડાકા થવાની તાર તૂટી જવાની અકસ્માત થવાની તેમજ વીજ વપરાશના સાધનો ઉપકરણો વળી જવાની પણ સંભાવના રહે છે.
થાંભલા કે વીજળીના તારમાં અટવાયેલા પતંગ લેવા માટે તાર કે, લોખંડના સળિયાનો ઉપયોગ જીવલેણ નીવડી શકે છે. આમ, નજીવી કિંમતના પતંગ માટે અનમોલ જિંદગીને જોખમમાં ન મુકાય તે માટે જરુરી ખ્યાલ રાખવા પણ વીજ તંત્રએ અપીલ કરી છે.ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરવો નહીં તેનાથી વીજળીના વાયર કપાઈ શકે છે. જેથી અંધારપટ કે વીજ અકસ્માત પણ થઈ શકે છે. વીજ વાયરો પસાર થતા હોય તેની સાવ નજીકથી પણ પતંગ ઉડાડશો નહીં. આમ, કોઈ અકસ્માત ન સર્જાય તેની સાવચેતી સાથે અને બાળકો સાથે રહી સંપૂર્ણ સલામતી સાથે ઉત્તરાયણ પર્વને ઉત્સવ ઉમંગથી ઉજવવા અને સાવધાની રાખવાના અનુરોધ સાથે અમરેલી વીજતંત્રએ એક અખબારી યાદીમાં મકર સંક્રાતિ પર્વની શુભેચ્છાઓ પાઠવી છે.
Recent Comments