ભાવનગર

ડૉ.માનસીબેન ત્રિવેદીને ઇન્દોરમાં ક્રાંતિ જ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા

ભાવનગર શ્રી ગોઘા ઈંગ્લીશ સ્કૂલના ડૉ.માનસીબેન હિતેન્દ્રભાઇ ત્રિવેદીને ઇન્દોરમાં ક્રાંતિ જ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.

   બાલરક્ષક પ્રતિષ્ઠાન દ્વારા દેવી અહિલ્યાબાઈ હોલ્કરની ભૂમિ ઇન્દોરના અહિલ્યા પરિસરમાં તારીખ 19 અને 20 મે, 2026 બે દિવસ રાષ્ટ્રીય શિક્ષણ સંમેલન અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં  ભારતભરના 18 રાજ્યોના 120 થી વધુ શિક્ષકોએ ભાગ લીધો હતો. જેમાં અલગ અલગ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ગોઘા ઈંગ્લીશ સ્કૂલના ડૉ.માનસીબેન હિતેન્દ્રભાઈ ત્રિવેદીએ ભાવનગર જિલ્લા અને ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું. જેમાં ઉદ્ઘાટન સત્રમાં પ્રખ્યાત શિક્ષણવિદ્દ અને સાહિત્યકાર પ્રો.ડૉ. યોગેન્દ્રનાથ શુકલાની ઉપસ્થિતિમાં તેણીએ ગુજરાત ગૌરવ ગીતની સુંદર પ્રસ્તુતિ કરી. બીજા સત્રમા કવિ સંમેલનમાં વિવિધ ભાષાના કાવ્યો રજૂ થયા. જેમાં પણ ભાગ લઈને ગુજરાતી ભાષામા સ્વ રચિત રચના પ્રસ્તુતિ કરી.અને શિક્ષણ માટે પોતાના ધારદાર વિચારો રજુ કર્યા હતા .બીજા સત્રના મુખ્ય મહેમાન એસીપી સુપ્રિયા ચૌધરી, લેખિકા કામના શર્મા અને પ્રશિષ્ટ શિક્ષણવિદ્દ અને સાહિત્યકાર ડૉ.મનીષ દવે ઉપસ્થિત રહ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ગુજરાતના ગરબા દ્વારા તેણીએ ગુજરાતી સંસ્કૃતિનો પરિચય કરાવ્યો હતો.ત્યારબાદ શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરનારા વિવિધ રાજ્યોના શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા. જેમાં શ્રી સત્યનારાયણજી સલવાડિયા(મધ્યપ્રદેશ બિન-સરકારી શિક્ષણ પરિષદના પ્રમુખ) કાર્યક્રમ અધ્યક્ષશ્રી ડૉ.સંજયકુમાર માલવી (સંસ્થાપક બ્રિલીયન્ટ સ્કૂલ,ઇન્દોર) શ્રી કિશોર ગુપ્તા( ઉપાધ્યક્ષ, મધ્યપ્રદેશ પ્રશાસકીય શિક્ષણ પરિષદ) ડૉ. બબીતા કડાકિયા(એડિશનલ ડાયરેક્ટર, ઇન્સ્ટિટયૂટ ઓફ લો ઈન્દોર ), શ્રી મનોજ ચિચોરે( પ્રતિષ્ઠાન,અધ્યક્ષ) શ્રી નરેશ વાઘ( પ્રતિષ્ઠાન,રાષ્ટ્રીય સચિવ), શ્રી ધર્મેશ જોષી( મુખ્ય સંયોજક )ના વરદહસ્તે શ્રી ગોઘા ઈંગ્લીશ સ્કૂલના ડૉ.માનસીબેન હિતેન્દ્રભાઇ ત્રિવેદીને ક્રાંતિ જ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આ સન્માન બદલ શાળા પરિવાર અને શિશુવિહાર બુધસભા દ્વારા ડૉ.માનસીબેન ત્રિવેદીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Related Posts