અમરેલી

સાવરકુંડલાના ડો. ઉષાકાંત વોરા એક પ્રતિષ્ઠિત સેવાભાવી તબીબની જીવન યાત્રા

સંસ્કારી અને ધર્મપરાયણ નાગર બ્રાહ્મણ કુળના મુળ માંગરોળના વતની, મુંબઈ  વસતા માતુશ્રી ઇન્દુબેન અને શિવશંકરભાઇ વોરાના ઘરે તારીખ ૧૨/૦૧/૧૯૩૦ (સ્વામી વિવેકાનંદજીના જન્મદિવસે) જન્મેલા ડોક્ટર ઉષાકાન્તભાઇ વોરાની સુદિર્ઘ યાત્રા એક અમુલ્ય પ્રેરણાદાયી સંભારણું છે. આર્થિક મુશ્કેલીઓ, અગવડતાઓ હોવા છતાં તેઓ એક સફળ ડોક્ટર બન્યા, સાથે લાયન્સ કલબના પ્રેસિડેન્ટ, હોમગાર્ડમાં ચીફ કમાન્ડિંગ ઓફિસર બન્યા, આઈ એમ એ, …જેવી સંસ્થાઓમાં સંકળાયા. સંગીતની સાધના એમનો  જીવનમંત્ર રહ્યો અને તેમાં પણ તેઓ “વિશારદ” બની, તેનુ જીવનમાં અતૂટ સ્થાન રાખ્યું. ડોક્ટર હિરાબેન સાથેના ૭૫ વર્ષના સફળ દાંપત્ય જીવનને  દિપાવ્યુ.

આર્થિક નબળા કે કોઇપણ પ્રકાર ની તકલીફમાં રહેલા લોકોને મદદરૂપ થવાય તેવી ભાવના ધરાવતા હોવાથી ગરીબોના બેલી તરીકે ઓળખાયા. 

આધુનિક દવાઓ અને ઉપાયો વિષેનુ વાંચન અંત સુધી  સતત ચાલુ રાખીને દર્દીઓની નિસ્વાર્થ અને નજીવા શુલ્ક થી સેવા કરી. સાથે આધ્યાત્મિક વલણને કેન્દ્રિત સ્થાન આપ્યુ. પ્રસિધ્ધીથી દૂર રહીને ભગવાનને ગમતું કરવાની જેમણે પ્રેરણા ૫૦ વર્ષ પહેલાં આપેલી તેવા પરમ પૂજ્ય દાદાજી,  “શ્રી પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલે” ના કંડારાયેલા પથ પર અક્ષર સહ અનુસરીને રાજકોટ, ભાવનગર અને અમરેલીના તમામ જીલ્લાઓમાં ઘૂમી ફરી વળીને પૂજ્ય દાદાજીના અત્યંત નીકટનું અને આત્મિયનુ સ્થાન પામેલાં. ૠષિની જેમ જ ગામડાંઓમાં ફરીને પ્રભુના વિચારો લોકો સુધી પહોંચાડવાનુ કાર્ય ૯૬ વર્ષે પણ પોતાની ફરજ સમજીને કર્યુ. “પ્રભુનાં અગણિત ઉપકાર છે, પોતાનું શરીર જ મંદિર છે, પ્રભુ કાર્ય માટે એક પગલુ ઉપાડ, પ્રભુ સાથે જ છે,..” આવી અનન્ય ભાવે સમજણ આપી.

સકારાત્મક વલણ અપનાવી સદગુણો જીવી બતાવ્યા. 

આવા ઋષિ સમાન પૂજનીયને શ્રદ્ધાંજલી અને ભાવાંજલિ આપવા શબ્દો ટૂંકા પડે. આ દિવ્ય આત્માને ભગવાન યોગેશ્વર અને કામનાથ મહાદેવ તેમના ચરણોમાં સ્થાન આપે તેવી પ્રાર્થના.

Related Posts