અમરેલી

વરસાદ ખેંચાવાના કારણસર ખેડૂતોએ વાવતેર હેઠળપાકમાં એકાંતર ચાસે પિયત આપવા સહિતના પગલાઓ લેવા

અમરેલીતા.૦૬ ઓગસ્ટ૨૦૨૫ (બુધવાર) જિલ્લામાં ખરીફ ઋતુમાં, વર્તમાન (આજની) સ્થિતિએ સરેરાશ વાવેતર વિસ્તાર ૫,૫૭,૩૦૨ હેકટરની સામે ૫,૫૧,૬૬૩ હેકટર જેટલા વિસ્તારમાં વાવેતર થયું છે.

જેમાં મુખ્યત્વે કપાસ ૨.૬૬ લાખ હે., મગફળી ૨.૪૧ લાખ હે., તુવેર – ૨૨૦૮ હે., સોયાબીન- ૯,૮૭૩ હેકટર તથા ઘાસચારા-૧૮,૧૭૫ હેકટરમાં વાવેતર સમાવિષ્ટ છે.

હાલમાં વરસાદની પરિસ્થિતિ જોતાં જિલ્લામાં સરેરાશ વરસાદ ૬૮૪ મી.મી.ની સામે ૩૧૨ મી.મી. એટલે કે ૪૫.૫૬ ટકા જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદ ખેંચાવાના કારણસર ખેતી પાકોમાં ઉત્પાદન પર માઠી અસર ન થાય તે માટે તથા વરસાદની અનિયમિતતા સામે વરસાદના પાણીનો મહત્તમ ઉપયોગ થાય તે માટે આકસ્મિક પાક આયોજન સહિત વિશેષ પગલાઓ અમલમાં મૂકવાની આવશ્યકતા છે.

જે ખેડૂતો પાસે પિયતની સુવિધા ઉપલબ્ધ હોય તે ખેડૂતોએ સંબંધિત પાકની કટોકટી અવસ્થા એટલે કે વિકાસ અવસ્થા/વૃધ્ધિ અવસ્થા/ફુલ અવસ્થા/સુયા બેસવાની અવસ્થા/ચાપવા બંધાવાની અવસ્થા/સિંગ બાંધાવવાની/દાણા ભરાવાની અવસ્થાએ પિયત ક્યારા પધ્ધતિએ ના આપતાં આંતરપટે એટલે કે એકાંતર ચાસે પિયત આપવું. આનાથી લગભગ ૩૫ ટકા પિયત પાણી બચાવી શકાય તથા જે ખેડૂતો પાસે ડ્રીપ/ફુવારા પિયત પધ્ધતિ ઉપલબ્ધ હોય તો તેનો ખાસ ઉપયોગ કરવો.

કેશાકર્ષણથી જમીનમાં રહેલ ભેજ ઉડી ન જાય તે માટે લાંબાગાળે વવાતા પાકો તથા હારબંધ વવાતા પાકોમાં ફરજિયાત પણે આંતરખેડ કરવા ભલામણ કરવામાં આવે છે.

વધુમાં, જે પાકોમાં નિંદામણનો પ્રશ્ન હોય તે તમામ પાકોમાં સમયસર નિંદામણ કરી, નિંદામણમુકત રાખવા જેથી નિંદામણ દ્વારા ભેજને દૂર થતો અટકાવી શકાય.

જો એકમ વિસ્તારમાં છોડની સંખ્યા વધુ હોય તો અમુક અંતરે બચાવવા માટે નિંદામણના અવશેષો/ખેતીનો કચરો, વિવિધ પાકોના બિન ઉપયોગી ફોતરાને પાકના બે હાર વચ્ચે પાથરી મલ્ચીંગ કરવું તેમજ હાલની પરિસ્થિતિએ રાસાયણિક ખાતર ન આપવું તથા શકય હોય અને જરુરી હોય તો નેનો યુરિયા જેવા પ્રવાહી ખાતરનો પંપ દ્વારા સ્પ્રે કરવો.

આ તબક્કે ખાસ કરીને કપાસ જેવા પાકમાં ચૂસિયા જીવાતનો ઉપદ્રવ પણ જોવા મળે છે. આથી, પાક ઉત્પાદન પર અસર ન થાય તે માટે સાંજના સમયે ભલામણ મુજબની કોઇપણ પ્રવાહી પ્રાકૃતિક જંતુનાશક દવાઓ/લીંબોળીના તેલનો સ્પ્રે કરી જીવાતનું નિયંત્રણ કરવું.

હાલમાં,  ગુજરાત રાજય સરકાર દ્વારા નેનો યુરિયા/નેનો ડીએપી/બાયો પેસ્ટીસાઇડ/બાયો એજેન્ટ વગેરે ઇનપુટ પર કુલ કિંમતના ૫૦% અથવા રુ.૫૦૦/- હેકટરની મર્યાદામાં સહાય ઉપલબ્ધ છે, જેના માટે ગામના ગ્રામસેવકનો સંપર્ક કરવો.

પાકને પાણીની નહિ પણ ભેજની જરુર છે. તો ખેડૂતોએ વધારે પાણી એટલે વધારે ઉત્પાદન આવે આ ગેરસમજ દૂર કરી પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા ખેડૂતોને અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો અનુરોધ છે.

આમ, વરસાદ ખેંચાવાના કારણસર ખેતી પાકોને બચાવી, ઉત્પાદન પર કોઇ માઠી અસર ન પહોંચે તે માટે ઉપરોકત જણાવ્યા મુજબ જરુરી પગલાં લેવા તમામ ખેડૂતોએ કાળજી લેવી.

રોગ–જીવાત કે અન્ય કોઇ પ્રશ્ન હોય તો આ અંગે વધુ જાણકારી જે તે વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી (ખેતી), કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (કે.વી.કે.), ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(વિસ્તરણ),  નાયબ ખેતી નિયામક (તાલીમ) અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર-૧૮૦૦૧૮૦૧૫૫૧ પર સંપર્ક કરવો તેમ અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યુ છે.

Related Posts