રાષ્ટ્રીય

જમ્મુ કાશ્મીરના કૂપવાડામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ; એક જવાન ઇજાગ્રસ્ત

જમ્મુ કાશ્મીરના કૂપવાડામાં ૨-૩ આતંકીઓ છુપાયા હોઈ શકે છે અને તપાસ હાથ ધરતા સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ થઈ હતી. આતંકી અને સુરક્ષાદળો વચ્ચે અથડામણમાં એક પોલીસ જવાન ઇજાગ્રસ્ત થયા હોવાનુ સામે આવ્યું છે. તેઓને સારવાર અર્થે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યો હતો.

આ અથડામણ મામલે મળતી માહિતી અનુસાર, ગુપ્તચર એજન્સીઓએ ૨-૩ આતંકવાદીઓની હાજરી હોવાની પુષ્ટિ કરી છે. ત્યારબાદ ભારતીય સેના જમ્મુ-કાશ્મીર પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની સંયુક્ત ટીમે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું અને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો.

આ મામલે એક અધિકારીએ જણાવ્યું હતું કે, સુરક્ષાદળો દ્વારા ઘેરાયેલા વિસ્તારમાં ૨-૩ આતંકવાદીઓ છૂપાયા હોવાની શંકા છે. સુરક્ષા કર્મચારીઓ નજીક આવતાની સાથે જ આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ કાર્યવાહી દરમિયાન એક પોલીસકર્મી ઘાયલ થયો હતો અને તેની સારવાર ચાલી રહી છે. હાલ અધિકારીઓએ વિસ્તારને સીલ કરી દીધો છે અને સફળ કામગીરી સુનિશ્ચિત કરવા માટે વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા છે. ટીમે નાગરિકોને તેમની સલામતી માટે ઘરની અંદર રહેવા અને એન્કાઉન્ટર સ્થળની નજીક અવરજવર ટાળવાની સલાહ આપી છે.

તેમજ વધુમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. જેમ જેમ કામગીરી આગળ વધશે તેમ તેમ વધુ માહિતી આપવામાં આવશે. સુરક્ષા એજન્સીઓ કોઈપણ ઘટનાક્રમ અંગે સત્તાવાર નિવેદનો જાહેર કરશે.

Follow Me:

Related Posts